મેક્સિકાના હર્મોસિલો શહેરમાં એક ભયાનક દુર્ઘટના બની છે. અહીં સ્થિત વાલ્ડો સુપરમાર્કેટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 11થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આ વિસ્ફોટથી આખું શહેર હચમચી ગયું હતું. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી. આગ કાબૂમાં લેવા માટે કલાકો સુધી પ્રયત્નો કરવામાં આવ્યા. અહેવાલો અનુસાર વિસ્ફોટ પછી ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
ગવર્નરે તપાસનો આદેશ આપ્યો
સોનોરા રાજ્યના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ જણાવ્યું કે મૃતકોમાં ઘણા સગીર પણ હતા. તેમણે આ દુર્ઘટનાને ગંભીર ગણાવીને પારદર્શક તપાસનો આદેશ આપ્યો છે. ગવર્નરે કહ્યું કે “કોઈએ એકલા આ પીડા સહન ન કરવી જોઈએ. અમારી તમામ કટોકટી, સુરક્ષા અને આરોગ્ય સેવાઓ શરૂઆતથી જ સક્રિય રીતે કાર્ય કરી રહી છે અને ઘણા લોકોના જીવ બચાવ્યા છે.”
રાષ્ટ્રપતિએ મદદ અને સંવેદના વ્યક્ત કરી
મેક્સિકાની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમણે સોનોરાના ગવર્નરનો સંપર્ક કર્યો છે અને દરેક પ્રકારની મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ રાષ્ટ્રપતિએ ગૃહ સચિવ રોઝા ઇસેલા રોડ્રિગ્ઝને રાહત ટીમ મોકલવા કહ્યું છે જેથી ઘાયલોને યોગ્ય સારવાર મળી શકે.
વિસ્ફોટનું કારણ શું?
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ કોઈ આતંકવાદી હુમલો કે હિંસક ઘટના નહોતી. પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ ખામીને કારણે થયો હતો. શહેરના ફાયર વિભાગના વડાએ જણાવ્યું કે સ્ટોરની અંદર આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ખામીના કારણે આગ લાગી હશે. જેના પરિણામે ગેસ ભરાવા અને વિસ્ફોટ થયો હોઈ શકે છે.
સોનોરાના અટર્ની જનરલ ગુસ્તાવો સલાસે જણાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ મુજબ ઘણા લોકોનાં મોત ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી થયા છે. હાલમાં પોલીસ, ફાયર વિભાગ અને તકનીકી નિષ્ણાતોની ટીમ મળીને તપાસ ચાલુ રાખી રહી છે.
આ દુર્ઘટનાએ આખા મેક્સિકોમાં દુઃખની લાગણી ફેલાવી છે અને સરકારએ મૃતકોના પરિવારને સહાય આપવાનું વચન આપ્યું છે.