જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં રામનગર (ઉધમપુર) ના SDM રાજેન્દ્ર સિંહ અને તેમના છ વર્ષના પુત્ર આરવનું મૃત્યુ થયું છે. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે તેમના ગામ પટ્ટિયાં જતી વખતે પહાડ પરથી એક મોટો પથ્થર અને કાટમાળ સીધો તેમના વાહન સ્કોર્પિયો પર પડ્યો.
આ અકસ્માતમાં SDM સાથે તેમની પત્ની નિશુ, પિતરાઈ ભાઈ સુરજીત સિંહ પુત્ર શંકર સિંહ, ભાભી, પુત્રી અને ડ્રાઈવર પણ કારમાં સવાર હતા. કુલ સાત લોકો વાહનમાં હતા. પથ્થર પડતાં SDM અને તેમના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય સભ્યો ઘાયલ થયા છે. તમામને તાત્કાલિક રિયાસી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજેન્દ્ર સિંહ તેમના પરિવાર સાથે શુક્રવારે તેમના ગામ જઈ રહ્યા હતા. શનિવારે તેઓ પોતાના ભાભીના ઘેર માટલોટ જવાના હતા જેમનું મૃત્યુ માત્ર આઠ દિવસ પહેલા થયું હતું. એ પહેલાં શુક્રવારે તેઓ પોતાના ઘર પટ્ટિયાં જતાં હતાં ત્યારે રસ્તામાં આ દુર્ઘટના બની.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે પથ્થર અને કાટમાળ હોવા છતાં સ્થાનિકોની મદદથી ઘાયલોને બચાવી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. એક જુસ્સાદાર અને જવાબદાર અધિકારી અને તેમના નાનકડા પુત્રના અવસાનથી સમગ્ર પરિવારમાં શોકનું માહોલ છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા હવે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.