આજ રોજ રવિવારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ લોકો બોલેરો કારમાં પૃથ્વીનાથ મંદિરના દર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં નહેર પાસે આ અકસ્માત સર્જાયો.
મળતી માહિતી મુજબ, મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિહાગાંવના રહેવાસી પ્રહલાદ ગુપ્તા તેમના પરિવાર અને નજીકના મિત્રોના સાથે બોલેરો કારમાં મંદિર જઈ રહ્યા હતા. પરસરાય-અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામ પાસે સરયૂ નહેર પુલ નજીક કારનો કાબૂ ગુમાતા તે સીધી નહેરમાં ખાબકી ગઈ હતી.
કારમાં કુલ 15 શ્રદ્ધાળુઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ 11 લોકોનું મોત થયું, જ્યારે 4 લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમે ઘટના સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી.
ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કેજી રાવે જણાવ્યું કે તમામ મૃતદેહો નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બચેલા લોકોને સારવાર અપાઈ રહી છે.
અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કરતાં મૃતકના પરિવારજનો માટે રૂ. 5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા પણ સૂચના આપી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ સર્જી દીધો છે. લોકો પીડિત પરિવારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.