Columns

હોર્મુઝ સમિટ : યુકેની પહેલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમિટ અને તેની ભૂરાજનીતિક અસરો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને તેને લગતી ભૂરાજકીય પરિસ્થિતિઓ હંમેશા વૈશ્વિક ચર્ચાનો વિષય રહી છે. વિશ્વના નકશા પર એક સાંકડી જળપટ્ટી એવી છે, જ્યાં જરા સરખો પણ તણાવ પેદા થાય તો આખી દુનિયાના અર્થતંત્રમાં તેલના ભાવ ભડકે બળે છે. આ છે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ સામુદ્રધુની વિશ્વના કુલ તેલ વેપારના લગભગ ૨૦% થી ૩૦% હિસ્સાનો પરિવહન માર્ગ છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સમયાંતરે યોજાતી સમિટ અને રાજદ્વારી પહેલો વૈશ્વિક રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

તાજેતરમાં, ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ યુનાઇટેડ કિંગડમ (UK) દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને ત્યાં દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ વિદેશ સચિવ ઇવેટ કૂપરની અધ્યક્ષતામાં આ વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. આ સમિટનો મુખ્ય હેતુ સૈન્ય હસ્તક્ષેપને બદલે મુત્સદ્દીગીરી (diplomacy) અને રાજકીય માધ્યમો દ્વારા હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવાનો છે.

આ સમિટમાં લગભગ ૩૫ થી ૪૦ જેટલા દેશોએ ભાગ લીધો હતો, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઈ જેવા મુખ્ય દેશોનો સમાવેશ થાય છે. આ દેશોએ સમુદ્રમાં મુક્ત નૌકાયાન (freedom of navigation) જાળવી રાખવા માટે સંયુક્ત નિવેદન પણ આપ્યું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે સ્પષ્ટ કર્યું છે કે આ ‘બ્રિટનનું યુદ્ધ નથી’ અને તેઓ સીધા સૈન્ય સંઘર્ષમાં જોડાવાને બદલે રાષ્ટ્રીય હિતમાં આર્થિક અને મુત્સદ્દીગીરીના માર્ગે ઉકેલ લાવવા માંગે છે.

સમિટમાં જહાજો અને ખલાસીઓની સુરક્ષાની ખાતરી કરવા માટે ચર્ચા કરવામાં આવી. જેમાં પ્રથમ તબક્કે સમુદ્રી સુરંગો સાફ કરવા અને બીજા તબક્કે ઓઈલ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈરાન પર સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માધ્યમથી આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા અને વેપારી જહાજોની અવરજવરમાં અવરોધ ન ઊભો કરવા માટે અપીલ કરવાનો નિર્ણય લેવાયો. જો જળમાર્ગ બંધ રહે તો ઈરાન પર આર્થિક પ્રતિબંધો અને સંકલિત રાજકીય પગલાં ભરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

આ સમિટમાં અમેરિકા સામેલ થયું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એવી ટિપ્પણી કરી હતી કે જે દેશોને તેલની જરૂર છે, તેઓએ આ માર્ગ ખોલવાની જવાબદારી લેવી જોઈએ, જે બાદ બ્રિટને આ પહેલ પોતાના હાથમાં લીધી છે. આ સમિટનો હેતુ માત્ર વર્તમાન સંકટનો ઉકેલ લાવવાનો જ નથી, પરંતુ ભવિષ્યમાં પણ આવી સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્રને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય, તે માટે એક સંગઠિત માળખું તૈયાર કરવાનો છે.

આ પહેલ દર્શાવે છે કે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે પશ્ચિમી અને અન્ય મિત્ર દેશો હવે સામુહિક રીતે સક્રિય થઈ રહ્યા છે, જેથી મધ્ય-પૂર્વમાં ચાલતા સંઘર્ષની અસર વૈશ્વિક વેપાર પર ઘટાડી શકાય. આ સમિટને એક મહત્ત્વપૂર્ણ કૂટનીતિક પગલાં તરીકે જોઈ શકાય છે. આ સમિટે આંતરરાષ્ટ્રીય સહમતિ અને કોલેશન બનાવવાની શરૂઆત કરી, જે લાંબા ગાળે દબાણ વધારવા માટે ઉપયોગી થઈ શકે. પરંતુ સમિટ મોટા ભાગે પ્રતીકાત્મક જ બની રહી. કોઈ નક્કર પરિણામ જેમ કે સ્ટ્રેટનું તરત ખૂલવું અથવા ઈરાન સાથે કોઈ સમજૂતી ન થઈ. અમેરિકાની ગેરહાજરી આ સમિટની મુખ્ય કમજોરી હતી.

યુકે અને યુરોપે સ્પષ્ટપણે સૈન્ય વિકલ્પને ટાળ્યો, જેનાથી ઈરાન પર અસરકારક દબાણ ઊભું કરવું મુશ્કેલ બન્યું. આ સમિટ વાતચીત અને સેંક્શન્સની ચર્ચા સુધી મર્યાદિત રહી, જે વર્તમાન કટોકટીને તાત્કાલિક હલ કરી શકે એમ નથી. તેલના ભાવ હજુ પણ વધેલા છે અને હજારો જહાજો અટવાયેલાં છે. હોર્મુઝ સમિટ માત્ર એક ભૌગોલિક ચર્ચા નથી, પરંતુ તે વિશ્વના આર્થિક ભવિષ્યનો આધાર છે. ભવિષ્યમાં સૌર અને રિન્યુએબલ એનર્જી તરફ વળવા છતાં, આગામી દાયકાઓ સુધી હોર્મુઝ વિશ્વની ‘આર્થિક ધોરી નસ’બની રહેશે એમાં કોઈ શંકા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top