National

પંજાબમાં ગુંડાગર્દી: લુખ્ખાતત્વોએ ધોળાદિવસે NRIના ઘરમાં ઘુસી ગોળી મારી

પંજાબ: પંજાબના અમૃતસરમાં એક સનસનાટી ભરી ઘટના બની હતી. અહીં કેટલાક લુખ્ખાતત્વોએ એક NRIના ઘરમાં ઘૂસીને NRI ઉપર ગોળી ચલાવી હતી. ઘટના દરમિયાન ઘરમાં હાજર બાળકો હાથ જોડીને આરોપીને રોકતા રહ્યા, પરંતુ બદમાશોએ તેમની વાત પણ માની ન હતી અને ગોળી ચલાવી દીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઘટના પંજાબના મકબૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના ડાબુર્જી વિસ્તારમાં બની હતી. અહીં આજે 24 ઓગષ્ટના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ બે હુમલાખોરો NRI સુખચૈન સિંહના ઘરમાં ઘૂસ્યા હતા અને હુમલાખોરોએ પહેલા પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દા પર દલીલ કરી હતી, પછી હાથમાં બંદૂક લઈને તેઓએ NRI સુખચૈન સિંહને ગોળી મારી દીધી હતી. ત્યારે ગોળી વાગતાની સાથે જ સુખચૈન સિંહે ચીસો પાડી હતી. ઘટના દરમિયાન ઘરની મહિલાઓ અને બાળકો હાથ જોડીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા પરંતુ નિર્દય આરોપીઓ અટક્યા ન હતા અને તેમણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. તેમજ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ સુખચૈન સિંહને પરિવારે ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ઘટનાને પગલે પોલીસનું કહેવું છે કે આ મામલો ખંડણી સાથે જોડાયેલો છે. તેમજ આ સંદર્ભે તપાસ ચાલી રહી છે. હાલ સુખચૈન સિંહના પરિવારજનોએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમજ ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે સુખચૈન સિંહની હાલત ખુબ જ નાજુક છે. જો કે ઘરમાં ઘૂસીને ગોળીબારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય, પોલીસ વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સમગ્ર મામલે વિસ્તારના મંત્રી કુલદીપ એસ ધાલીવાલે કહ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે મામલો વ્યક્તિગત હતો કે કારણ કોઇ બીજી હતું. એનઆરઆઈ સાથે સંબંધિત મિલકત અને અન્ય વ્યક્તિગત વિવાદો હાલના દિવસોમાં ખૂબ સામાન્ય થઇ ગતા છે. ત્યારે ગઈકાલે પણ મેં લુધિયાણામાં સીપી સાથે મળી આવી જ એક સમસ્યાનું સમાધાન કર્યું હતું. પંજાબના એનઆરઆઈને મારી અપીલ છે કે આવી કોઈ પણ અંગત સમસ્યાનો પરસ્પર સંમતિથી બેસીને ઉકેલ લાવવો જોઈએ, અમે કોઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા દઈશું નહીં.

Most Popular

To Top