નવી દિલ્હી: હોંગકોંગ (Hong Kong) મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023ની (Women’s Emerging Asia Cup 2023) યજમાની કરી રહ્યું છે. એશિયા કપ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ મેચ 20 જૂને રિઝર્વ ડે પર મહિલા ભારતીય-એ અને શ્રીલંકા-એ ટીમ વચ્ચે યોજાવાની હતી. જો કે સેમી ફાઈનલ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો હતો. સેમીફાઈનલ ન થવાને કારણે ટીમ ઈન્ડિયાને સીધી ફાઈનલમાં એન્ટ્રી મળી ગઈ હતી. ત્યારે આજે ફાઈનલમાં ભારતીય ટીમનો (Indian Team) બાંગ્લાદેશ (Bangladesh) સામે મુકાબલો થયો હતો જેમાં ભારતની મહિલા ટીમે બાજી મારી હતી.
- ભારતની મહિલા ટીમે ACC મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023નો ખિતાબ પોતાના નામે કરી લીધો
- ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને 31 રને પરાસ્ત કરી
- ભારતે ફાઈનલ સુધી માત્ર એક જ મેચ રમી
ભારતની મહિલા ટીમે હોંગકોંગમાં ચાલી રહેલી ACC મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને 31 રને પરાસ્ત કરી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં 7 વિકેટે 127 રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે 19.2 ઓવરમાં જ 96 રને બાંગ્લાદેશની ટીમને આઉટ કરી દીધી હતી. આ ફાઈનલ મેચમાં ભારતીય સ્પીનરોનો કમાલ જોવા મળ્યો હતો. ભારતની શ્રેયંકા પાટીલે 4 જ્યારે મન્નત કશ્યપે 3 વિકેટ લીધી હતી. જ્યારે કનિકા આહૂજાએ 2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી શોભના મોસ્ટરી અને નાહિદા એક્ટરે 16-16 રન ફટકાર્યા હતા.
આ મેચની મજેદાર વાતએ છે કે ભારતે ફાઈનલ સુધી માત્ર એક જ મેચ રમી હતી. હોંગકોંગ સાથેની મેચમાં ભારતની ટીમે હોંગકોંગની ટીમને 9 વિકેટથી પરાસ્ત કરી હતી. ત્યાર પછી ભારતની અન્ય ત્રણ મેચો વરસાદના કારણે કેન્સલ કરવામાં આવી હતી જેમાં સેમી ફાઈનલ મેચનો સમાવેશ પણ થાય છે