કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે સુરત પહોંચશે અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કરશે. આવતીકાલે તેઓ કોસમાડા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ભાજપના નેતાઓ અને મંત્રીઓ સાથે મુલાકાત કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરત પ્રવાસ રાજ્યની રાજકીય ગતિવિધિઓને વધુ તીવ્ર બનાવી રહ્યો છે. આજે સાંજે લગભગ 7 વાગ્યે અમિત શાહ સુરત પહોંચશે અને સુરત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.
રાજકીય ચર્ચાઓને વેગ
શાહના આ પ્રવાસ દરમિયાન ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકોમાં મંત્રીમંડળમાં સંભવિત ફેરફાર, સંગઠનમાં નવા ચહેરાઓની નિમણૂક તેમજ આગામી ચૂંટણીની રણનીતિ જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ શકે છે. મોદીના પ્રવાસ પછી શાહની આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં નવા સંકેતો ઉભા કર્યા છે.
ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન
રાજકીય બેઠકોની સાથે સાથે અમિત શાહના પ્રવાસમાં ધાર્મિક કાર્યક્રમ પણ મહત્વપૂર્ણ છે. સોમવારે સવારે તેઓ સુરતના કોસમાડા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. એન્થમ સર્કલ નજીક આ મંદિરનું નિર્માણ અંદાજે રૂ . 101 કરોડના ખર્ચે થવાનું છે. આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નહીં પણ સમાજ કલ્યાણ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે. મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજનની સુવિધા જેવી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
સુરત બાદ રાજકોટ રવાના થશે: અમિત શાહ
ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થશે. સુરતમાં તેમનો આ પ્રવાસ રાજકીય અને ધાર્મિક એમ બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ભવિષ્યના રાજકારણમાં આ મુલાકાત નવા દિશા-નિર્દેશ આપશે તેવી અટકળો છે.