દુનિયામાં અત્યાર સુધીમાં જો કોઈ સૌથી ખતરનાક બીમારી ગણાતી હોય તો તે એચઆઈવીની છે. એક વખત જેને એચઆઈવી પોઝિટિવ આવે તે પછી તે દર્દીને સતત મોતનો ભય સતાવતો રહે છે. અત્યાર સુધી એવું હતું કે દુનિયામાં એચઆઈવી પોઝિટિવ નાબુદ થાય તેવી કોઈ જ સારવાર નથી. સમયાંતરે એચઆઈવીને કારણે થતાં મોતથી બચાવી શકે તેવી દવાઓ શોધાઈ છે. એચઆઈવીનો દર્દી હવે લાંબુ જીવી શકે છે પરંતુ તેના શરીરમાંથી એચઆઈવી નીકળી શકે તેવી કોઈ જ સારવાર નહોતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવતા સરવે પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 60થી 70 હજાર લોકો એચઆઈવીનો ભોગ બને છે. રિપોર્ટ પ્રમાણે 2020ના અંત સુધીમાં વિશ્વમાં એચઆઈવીએ 3.36 કરોડ લોકોનો ભોગ લીધો છે. જ્યારે 3.77 કરોડ લોકો એચઆઈવી પોઝિટિવ છે. તે પૈકી 2.54 કરોડ એચઆઈવી પોઝિટિવ એકલા આફ્રિકા પંથકમાં જ છે. એચઆઈવીની આ ભયાનકતા સામે હવે આશાના કિરણો મળ્યા છે. અમેરિકામાં એક મહિલાને એચઆઈવી પોઝિટિવની બીમારીની સારવાર કરીને તેને એચઆઈવીથી મુક્ત કરવામાં આવી છે.
અમેરિકાની આ મહિલા દર્દીને વર્ષ 2013માં ખ્યાલ આવ્યો હતો કે તેને એચઆઈવી પોઝિટિવ છે. આ મહિલા દર્દીને અન્ય બીમારીઓ પણ હતી. મહિલાને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર પણ હતું. મહિલાના બ્લડ કેન્સરની સારવાર માટે હેપ્લો-કોડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જેમાં આંશિક રીતે મેચ થતાં ડોનર પાસેથી કોર્ડ બ્લડ લેવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન નજીકના સંબંધીએ મહિલાની ઈમ્યુનિટી વધારવા માટે બ્લડ ડોનેટ કર્યું હતું. 2017માં મહિલાનું અંતિમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. 4 વર્ષમાં આ મહિલા લ્યુકેમિયાથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. સાથે સાથે તેને એચઆઈવીથી પણ મુક્તિ મળી ગઈ. આ સારવારમાં દર્દીની રોગપ્રતિકારક શક્તિને બીજી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિથી બદલવામાં આવે છે. આ રીતે કેન્સરની સારવાર કરવા જતાં એચઆઈવીથી પણ મુક્ત કરી શકાય છે. આ સારવારમાં ડોકટરો દ્વારા દર્દીની મુળભૂત રોગપ્રતિકારક શક્તિને કેમોથેરાપી અને અન્ય રેડિએશનથી દૂર કરવામાં આવી હતી અને બાદમાં અન્ય વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને આ દર્દીમાં સ્થાપિત કરવામાં આવી હતી.સ્ટેમ સેલ થેરાપી દ્વારા એચઆઈવીથી સારા થવાની પદ્ધતિ ઘણી જોખમી છે. જે વ્યક્તિને કોઈ આરો નહીં હોય તે વ્યક્તિ માટે સ્ટેમ સેલ થેરાપી અપનાવવામાં આવે છે.
આ દર્દીમાં છેલ્લી વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા બાદ 3 વર્ષથી એચઆઈવીની સારવાર બંધ કરી દેવામાં આવી છે અને તેને હજુ સુધી કોઈ જ નવા વાયરસ લાગુ પડ્યા નથી. આ અંગેની માહિતી આપતી વખતે કેલિફોર્નિયા યુનિ.ના એડ્સ એક્સપર્ટ ડો.સ્ટીવન ડીક્સને જણાવ્યું હતું કે, આ મહિલા દર્દીના માતા-પિતા શ્વેત અને અશ્વેત બંને હતા. જેથી આ મિશ્રિત બ્રીડ મહિલા માટે અસરકારક સાબિત થયું હતું. આવા કેસમાં એમ્બિકલ કોડ સારા હોય છે. જેમાં કોશિકા અને કોડ બ્લડમાં એવી શક્તિ હોય છે કે જેનાથી દર્દીને મોટો લાભ થાય છે. ગર્ભનાળના લોહીનો ઉપયોગ કરીને આ મહિલા દર્દીની સારવાર કરવામાં આવી હતી. વિશ્વમાં અત્યાર સુધીમાં એચઆઈવીના બે જ કેસ એવા આવ્યા છે કે જેમાં સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે. અગાઉ ટીમોથી રે બ્રાઉન 12 વર્ષ સુધી એચઆઈવીની ચુંગાલમાંથી મુક્ત રહ્યા હતા અને બાદમાં તેમનું કેન્સરથી મોત થયું હતું. વર્ષ 2019માં એચઆઈવીથી પીડિત એડમ કેસ્ટિલેજોની પણ સારવાર કરવામાં સફળતા મેળવવામાં આવી હતી. જોકે, આ બંને કેસમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરાપી કરવામાં આવી હતી. તે સમયે સ્ટેમ સેલ આપનાર ડોનરોમાં એવું મ્યુટેશન જોવામાં આવ્યું હતું કે, જેનાથી એચઆઈવીને રોકી શકાતો હતો.
જોકે, આ નવી થેરાપીને કારણે વિશ્વને એચઆઈવી પોઝિટિવ દર્દી માટે સારવારની નવી જ દિશા મળી છે. જેને કારણે એચઆઈવી પોઝિટિવ દર્દીઓને બચવા માટેની નવી આશા ઊભી થઈ છે. જે સારવાર અમેરિકામાં થઈ શકી તે સારવાર આગામી દિવસમાં ભારતમાં પણ ઉપલબ્ધ થઈ શકે તેમ છે. વિશ્વમાં એચઆઈવી પોઝિટિવની સંખ્યા ઘણી વધારે છે. ભારતમાં પણ 2019માં એચઆઈવીના 23.49 લાખ દર્દીઓ નોંધાયા હતા. 2018ની સરખામણીમાં 2019માં ભારતમાં એચઆઈવી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળ્યો હતો. પરંતુ ભારતે ચેતતા રહેવા જેવું છે. અમેરિકામાં જે રીતે એચઆઈવીના દર્દીની સારવાર કરવામાં આવી તેની ભારતના ડોકટરો પણ સમજ લે અને સરકાર પણ તેમાં ઈનિશિએટિવ લઈને કામ કરે તો ભારતમાંથી એચઆઈવીને નાબુદ કરી શકાશે તે નક્કી છે.