સુરત: સુરતમાં (Surat) એક વિરલ ઘટના બની છે. કદાચિત દેશમાં (Country) આવી ઘટના પહેલી વાર (First Time) બની છે. અમરોલીના રત્નકલાકારના (Diamond Worker) નવજાત પુત્ર ધરતી પર માત્ર 100 કલાકનું જીવન (Life) જીવ્યો. ન તે હસ્યો ન તે રડ્યો પરંતુ જતા જતાં પાંચ બાળકોને નવું જીવન આપતો ગયો છે. હા, 100 કલાકના નવજાત શિશુના અંગોનું દાન તેના પરિવારે કરી માનવતાને ધન્ય કરી છે.
મળતી વિગત અનુસાર, મૂળ આણંદના બોરસદ તાલુકાના દેદેડાના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્ત સ્ત્રાવ વધતાં તેમની પ્રસૂતિ સિઝેરીયન કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેંત કોઈ હલનચલન કરતું ન હતું. તેમજ જન્મ બાદ રડ્યું પણ નહતું.
ત્યાર બાદ તાત્કાલિક કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું હતું જ્યાંના તબીબ ડૉ. દર્શન ધોળકિયાએ શિશુનો જીવ બચાવવા માટે ઇન્ટુબેશન કરીને ધબકારા નોર્મલ કર્યા હતા. પરંતુ 48 કલાક બાદ પણ બાળકમાં કોઈ ન્યુરોલોજીકલ ઈમ્પૃવમેન્ટ નહીં જણાતા બાળકોના મગજના નિષ્ણાંત ડૉ.મયંક દેત્રોજાએ તપાસી બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યું હતું.
નવજાત શિશુના પિતા અનુપભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે, પ્રેસ-મીડિયામાં પાંચ દિવસના બાળકના અંગદાનના જોયેલા સમાચાર પછી અમારે પણ આવો કોઈ નિર્ણય કરવો પડશે એવી કલ્પના પણ કરી ન હતી. શરદ પુર્ણિમાની પૂર્વસંધ્યાએ ગીતા જયંતિના અવસરે અમે અમારા સંતાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.
શિશુના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો ત્યાર બાદ SOTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સંપર્ક કરી બાળકના વિવિધ ટેસ્ટ કરાવાયા હતા. અંગદાન માટે બાળકને અન્ય હોસ્પિટલમાં ખસેડાયુ હતું. બાળકની બે કીડની અને બરોળનું અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કની મદદથી દાન લેવામાં આવી હતી. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, ઠાકોર પરિવાર દ્વારા ખૂબ મોટું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. દુઃખદ બાબત એ છે કે આ દંપતીના ઘરે અગાઉ પણ પારણું બંધાતા રહી ગયું હતું. એ સમયે બાળકીનું ગર્ભમાં જ મોત થયું હતું. આવી કરુણતા વચ્ચે પણ પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજ અને માનવતા માટે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.