ગાંધીનગર : કેન્દ્રિય બજેટ–2026 પર પ્રતિક્રિયા આપતાં દેશના વરિષ્ઠ સહકારી નેતા અને ઇફકો (IFFCO) ના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વનું પ્રતિબિંબ ગણાવ્યું છે. સંઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટ “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના મંત્રને સાકાર કરતી રીતે ભારતને “વિકસિત ભારત @2047” ના લક્ષ્ય તરફ મજબૂતીથી આગળ લઈ જનારું છે. ખેડૂતો, ગ્રામિણ અર્થતંત્ર અને સહકારી આંદોલનને સશક્ત બનાવવા માટેનું આ બજેટ એક ઐતિહાસિક પગલું સાબિત થશે.
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં AI આધારિત જમીન પરીક્ષણ (Soil Testing), ડિજિટલ માર્કેટપ્લેસ, આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને કૃષિ લોનના લક્ષ્યોને રેકોર્ડ સ્તરે વધારવા જેવા નિર્ણયો ખેડૂતોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પશુપાલન ક્ષેત્રના આધુનિકીકરણથી ગ્રામિણ આજીવિકાને નવી દિશા મળશે અને કૃષિ આધારિત ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.સહકારી ક્ષેત્ર માટેના બજેટી નિર્ણયો અંગે તેમણે વિશેષ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અધિસૂચિત રાષ્ટ્રીય સહકારી સંગઠનોને 3 વર્ષ સુધી લાભાંશ પર કર છૂટ અને New Tax Regime હેઠળ ઇન્ટર-કોપરેટિવ ડિવિડેન્ડ પર છૂટ આપવાનો નિર્ણય સહકારી આંદોલનની ક્ષમતા અને વ્યાપને વધુ મજબૂત બનાવશે. આ નિર્ણય વડાપ્રધાન મોદીજીના “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને વધુ બળ આપનાર છે.