Gujarat

ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006માં ઐતિહાસિક સુધારા – હવે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય

ગાંધીનગર,તા.20

ગુજરાત વિધાનસભામાં આજે દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ડે સીએમ હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે
રાજ્ય સરકાર ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006માં મહત્વપૂર્ણ સુધારા લાવી રહી છે, જેના અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની જાણ અને સહમતી અનિવાર્ય બનાવવામાં આવશે.

છેતરપીંડી અને બળજબરી સામે કડક વલણ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કે રાજ્યમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઓળખ છુપાવીને, લાલચ કે છળકપટથી લગ્ન નોંધાવવાના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કેટલાક ગામોમાં ગેરરીતિથી ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાની વિગતો સામે આવતા સરકાર સતર્ક બની છે. આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે સ્પષ્ટ કહ્યું કે લવ-મેરેજનો વિરોધ નથી, પરંતુ ‘છેતરપિંડી’ અને ‘બળજબરી’ સામે રાજ્ય સરકાર સખત વલણ અપનાવશે. “કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને રાજ્યની દીકરીને ફસાવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે,” એમ તેમણે ચેતવણી આપી હતી.

અલગ પોર્ટલ અને જાહેર સૂચનોની પ્રક્રિયા

આ સુધારાઓ અંતર્ગત લગ્ન નોંધણી માટે અલગથી એક વિશેષ પોર્ટલ તૈયાર કરવામાં આવશે, જેમાં નોંધણી વખતે માતા-પિતાને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.

સરકારે આ સૂચિત નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે બંધારણીય મર્યાદામાં રહીને મળેલા સૂચનો પર વિચારણા કરશે અને જરૂરી સુધારાઓ સાથે અમલમાં મૂકાશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નિર્ણય

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા માટે કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે દીકરીઓની સુરક્ષા, પરિવાર પ્રણાલી અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે આ સુધારા લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં કાયદો અને ન્યાય વિભાગ દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે આશરે ૩૦ બેઠકો યોજીને ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય સમાજમાં પારદર્શિતા વધારવા, ગેરઉપયોગ અટકાવવા અને દીકરીઓને સુરક્ષા કવચ પૂરું પાડવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યો છે.

ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006માં સુધારા અંગે મહત્વના મુદ્દા

✔️ રાજ્ય સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા કરવાની જાહેરાત કરી.
✔️ હવે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની જાણ અને સહમતી અનિવાર્ય રહેશે.
✔️ લગ્ન નોંધણી માટે અલગથી વિશેષ પોર્ટલ બનાવવામાં આવશે.
✔️ ઓળખ છુપાવીને થતા લગ્નો, છેતરપીંડી અને બળજબરી સામે કડક પગલાં લેવાશે.
✔️ પંચમહાલ જિલ્લામાં ગેરરીતિથી ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાના મામલે તપાસ કરીને કાર્યવાહી કરાઈ.
✔️ સૂચિત નિયમો અંગે ૩૦ દિવસ સુધી નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા.
✔️ સુધારાઓ માટે કમિટીની રચના કરવામાં આવી છે, જે બંધારણીય મર્યાદામાં રહી નિર્ણય કરશે.
✔️ હર્ષ સંઘવીએ વિધાનસભામાં નિયમ ૪૪ હેઠળ નિવેદન આપ્યું.
✔️ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દીકરીઓના સન્માન અને સનાતન પરંપરાની રક્ષા માટે સરકાર કટિબદ્ધ.
✔️ સરકારનો દાવો: આ સુધારા સામાજિક માળખાને મજબૂત બનાવી દીકરીઓને સુરક્ષા કવચ પૂરું પાડશે.

Most Popular

To Top