Columns

હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે?

ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની સ્થાપના કરી એ મોટી ભૂલ હતી, તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈતી હતી. હિન્દુત્વવાદી હિંદુ ભાઈઓને તેમનો અભિપ્રાય ધરાવવાનો, તેને વ્યક્ત કરવાનો, તેને માટે પ્રચાર કરવાનો અને તેને સાકાર કરવા માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાનો અધિકાર છે. તેમણે આ બધું કર્યું પણ છે અને સત્તા સુધી પહોંચી ગયા છે. યાદ રહે, તેમને આ બધું કરવાની મોકળાશ ભારતીય રાષ્ટ્રે આપી હતી અને એ આપે તો જ તેને ભારતીય રાષ્ટ્ર કહી શકાય. નાગરિક અધિકાર, લોકતંત્ર, સેકયુલરિઝમ અને કાયદાના રાજ વગરનું ભારતીય રાષ્ટ્ર ન હોઈ શકે. બાકી આઝાદી પછી ભારતીય રાષ્ટ્રના પહેલી પેઢીના શાસકો પાસે એટલી તાકાત હતી અને એટલી લોકચાહના હતી કે તેઓ ધારતે તો હિન્દુત્વવાદીઓને ઘોડિયામાં જ દૂધપિતા કરી શક્યા હોત.

તો પહેલી વાત તો એ કે અત્યારના હિંદુ રાષ્ટ્રના મશાલચીઓને ભારતીય રાષ્ટ્રે મોકળાશ આપી હતી અને એ મોકળાશ એટલી હતી કે તેઓ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા સત્તા સુધી પહોંચી શક્યા છે. હવે ઉપર કહ્યો એ સવાલ આવે છે કે હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા જ માગો છો અને સ્થાપવાની સ્થિતિમાં પણ છો તો એ કેવું હશે? શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્ર કેવા હિંદુઓને પેદા કરશે, શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્રનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હશે, શક્તિશાળી હિંદુઓના હાથમાં કે માથાભારે હિંદુઓના હાથમાં? મહાન હિંદુ દેશનો જગતમાં જયજયકાર શક્તિશાળી હિંદુઓ દ્વારા થશે કે માથાભારે હિંદુઓ દ્વારા? જગતનો ઈતિહાસ શું કહે છે? મહાન રાષ્ટ્રો, સામ્રાજ્યો અને સભ્યતાઓને શક્તિશાળી પ્રજાએ આકાર આપ્યો છે કે માથાભારે પ્રજાએ?

હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા નીકળ્યા જ છો ત્યારે તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. ખાસ કરીને જો તમે સાચા હિંદુ હો, જો તમને ભારતવર્ષ કે આર્યાવર્ત માટે સાચો પ્રેમ હોય અને જો તમે તમારાં સંતાનને તમારી છાતી ગજગજ ફૂલે એવા હિંદુ રામરાજ્યમાં સુખચેનમાં જીવતા જોવા માગતા હો તો તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. શક્તિશાળી બનવામાં લાભ છે કે માથાભારે? સેક્યુલર હિંદુઓની ચિંતા કરવાની જરૂર નથી, એ જાય ભાડમાં. એ એમનું ફોડી લેશે. આપણાં અસલી હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે? લાભાલાભની સમજ તો અસલી હિંદુઓ ધરાવતા જ હશે એમ હું માની લઉં છું.

એક નજર આપણા બાપદાદાઓએ અપનાવેલા વલણ ઉપર કરી લઈએ.

દેશમાં આઝાદીની લડત ચાલતી હતી ત્યારે એ સમયના આપણા બાપદાદાઓ એ સમયના આપણા નેતાઓને પૂછતા હતા કે તમે આઝાદીની વાત તો કરો છો, પણ પહેલા એ તો કહો કે આઝાદ ભારત કેવું હશે? એમાં શું હશે અને શું નહીં હોય? તેમને કહેવામાં આવ્યું હતું કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ તે ભારતીય રાષ્ટ્ર હશે. શા માટે ભારતીય રાષ્ટ્ર? શા માટે હિંદુ રાષ્ટ્ર નહીં? એ સમયના સંસ્કૃત અને ભારતીય દર્શનના કેટલાક દિગ્ગજ પંડિતોએ આ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે સ્પષ્ટ ભાષામાં ફોડ પાડવામાં આવ્યો કે આઝાદ ભારત ભારતીય રાષ્ટ હશે ત્યારે દરેક પ્રજાએ સવાલ કર્યા હતા કે તો પછી એ પણ બતાવો કે તેમાં શું હશે અને શું નહીં હોય? આ તો જોઈએ જ અને આ તો નહીં જ જોઈએ એવા આગ્રહ રાખવામાં આવ્યા હતા. તેમના અધિવેશનો મળતા હતા, ચર્ચાઓ થતી હતી, ઠરાવો થતા હતા, પ્રતિનિધિમંડળો નેતાઓને મળતા હતા, આવેદનો-નિવેદનો આપવામાં આવતાં હતાં, તેમની પત્રિકાઓ નીકળતી હતી, પ્રચાર-પ્રસાર થતા હતા વગેરે બધું જ.

ટૂંકમાં આઝાદી પહેલા આપણા બાપદાદાઓએ એ સમયના નેતાઓને ભારતીય રાષ્ટ્ર વિષે અનેક સવાલ પૂછ્યા હતા અને ખુલાસા માગ્યા હતા. ઈતિહાસ તપાસી જુઓ, આપણા એ સમયના નેતાઓનો અડધો સમય તો ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે ખુલાસા કરવામાં જતો હતો. થકવી દીધા હતા. ગાંધીજી દ્વારા સંપાદિત સામયિકોની ફાઈલો જોઈ લો; એમાં એક અંક એવો જોવા નહીં મળે જેમાં આઝાદ ભારત કેવું હશે એ વિષે ગાંધીજી પાસે કોઈને કોઈ સમાજે કે વાચકે પ્રશ્ન પૂછીને ખુલાસો ન માગ્યો હોય. આમ હું જવાબદારીપૂર્વક ગેરંટીથી કહું છું. એક અંક એવો જોવા નહીં મળે જેમાં ગાંધીજી પાસે ખુલાસો માગવામાં ન આવ્યો હોય.

આપણા એ સમયના અભણ કે અલ્પશિક્ષિત વડીલોને એટલી સમજ હતી કે દેશમાં કશુંક નવું થઈ રહ્યું છે તો એ કેવું હશે અને તેમાં શું હશે અને શું નહીં હોય એ સમજી લેવું જોઈએ. આપણું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય દાવ પર લાગવાનું છે. અત્યારે દેશમાં ફરી એક વાર કશુંક નવું થઈ રહ્યું છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે ત્યારે તેમણે તેમના નેતાઓને પ્રશ્ન પૂછાવા જોઈએ કે હિંદુ રાષ્ટ્ર કેવું હશે, તેમાં શું હશે અને શું નહીં હોય?

તમને આશ્ચર્ય થશે, હમણાં કહ્યું એમ ગાંધીજીનાં મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં પ્રશ્નકર્તાએ ગાંધીજી પાસે આઝાદ ભારતના સ્વરૂપ વિષે ખુલાસો ન માગ્યો હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ખુલાસો આપવામાં આવ્યો હોય!

પણ તમને પ્રશ્ન પૂછતા ન આવડતું હોય કે તમે પ્રશ્ન ન પૂછો એટલે પ્રશ્ન મટી નથી જતો. પ્રશ્ન તો બચે જ છે કે હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? તમારો પોતાનો, તમારા સંતાનોનો, હિંદુ રાષ્ટ્રનો અને હિંદુ પ્રજાનો ફાયદો શેમાં હશે?

Most Popular

To Top