National

ફરી ચિંતાના વાદળો: ભારતના વિવિધ હિલ સ્ટેશનો તથા અન્ય પર્યટન સ્થળોએ કોવિડ અનુરૂપ વર્તણૂક

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો (Hill station) તથા અન્ય પર્યટન સ્થળોએ કોવિડ (Covid-19) અનુરૂપ વર્તણૂકની સરેઆમ થઇ રહેલ ઉપેક્ષાના અહેવાલો સામે આજે ચેતવણીનો સૂર કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રોગચાળો હજી પુરો થયો નથી.

ગૃહ સચિવ હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો (Tourist places) એ કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય સરકારોએ લીધેલા પગલાઓની સમીક્ષા કરી રહ્યા હતા એમ ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું હતું. આ બેઠક દરમ્યાન ગોવા (Goa), હિમાચલ પ્રદેશ (Himachal pradesh), કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કોવિડની સ્થિતિની સમગ્ર વ્યવસ્થા અને રસીકરણની સ્થિતિની ચર્ચા થઇ હતી. આ બેઠક એટલા માટે બોલાવાઇ હતી કે દેશના જુદા જુદા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં બીજા મોજામાં ઘટાડો જુદા જુદા તબક્કામાં હોઇ શકે છે, જ્યારે દેશનો કુલ એકંદર પોઝિટિવિટી રેટ ઘટતો હોઇ શકે છે ત્યારે રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ચોક્કસ જિલ્લાઓમાં આ દર 10 ટકાથી ઉપર છે જે એક ચિંતાની બાબત છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

હિલ સ્ટેશનો અને અન્ય ટુરિસ્ટ સ્થળોએ કોવિડ અનુરૂપ વર્તણૂકનો છડે ચોક ભંગ થઇ રહ્યા હોવાના મીડિયા અહેવાલો બાબતે ગૃહ સચિવે ચેતવણીનો સૂર કાઢીને એ બાબત પર ભાર મૂક્યો હતો કે કોવિડનું બીજું મોજું પુરુ થયુ નથી અને રાજ્યોએ એ બાબત જોવી જોઇએ કે માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે કોવિડને લગતા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવે.

બીજી તરફ દાનહ-દમણ-દીવના તમામ પર્યટન સ્થળો ખોલવા મંજૂરી અપાઈ છે. સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા પ્રદેશનાં હરવા ફરવાના સ્થળોની સાથે સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્વિમિંગ પૂલ સહિતનાં એકમોને કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ ખોલવાની પરવાનગી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. પ્રદેશમાં ફરી બાગ બગીચાઓ, દરિયા કિનારાઓ (Beach) અને હરવા ફરવા લાયક સ્થળો ખૂલતા પ્રવાસીઓની (Tourist) સંખ્યા વધશે જેને લઈ ફરી લોકોને રોજગાર મળશે જેને લઈને પ્રદેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે.

બીજી તરફ લાંબા સમયથી પર્યટન સ્થળો ખુલવાની રાહ જોઈ રહેલા સુરતીઓ માટે પણ આ આનંદના સમાચાર છે. જો કે કોરોનાની બીજી લહેર હાજી પુરી થઇ નથી માટે કોરોના ગાઈડલાઇન્સનું પૂરેપૂરું પાલન કરવું પણ જરૂરી થઇ પડશે.

Most Popular

To Top