ગાંધીનગર : ગુજરાત તકેદારી આયોગ (વિજીલન્સ કમિશન)ને 2024ના વર્ષ દરમિયાન સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની 11223 જેટલી ફરિયાદો મળી છે, જો કે આ બધીજ ફરિયાદો કરનાર ગુજરાતના શહેરો પૈકી સુરત જિલ્લા સંદર્ભે ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો આયોગ સમક્ષ આવી છે. જયારે બીજા ક્રમે અમદાવાદ, ત્રીજા ક્રમે વડોદરા , ચોથા ક્રમે રાજકોટ અને પાંચમાં ક્રમે ગાંધીનગર જિલ્લા સંબંથધિત ફરિયાદ કરાઈ છે. આયોગના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ , શહેરિ વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચારની 3271 ફરિયાદ , બીજા ક્રમે મહેસૂલ વિભાગની 1018 ફરિયાદો , ત્રીજા ક્રમે ગૃહ વિભાગની 862 ફરિયાદો , ચોથા ક્રમે પંચાયત વિભાગની 800 ફરિયાદો અને પાંચમાં ક્રમે શ્રમ – રોજગાર વિભાગની 495 ફરિયાદો આયોગ સામે આવી છે.
આયોગદ સમક્ષ 2024 દરમિયાન એકંદરે 2823 તપાસ રિપોર્ટ વિચારણા હેઠળ હતા. જયારે તેમાંથી 1626નો નિકાલ કરાયો હતો. આયોગને 2024માં 562 સંદર્ભ કેસો મળ્યા હતા. જેમાંથી 400 સંદર્ભવ કેસોનો નિકાલ કરાયો હતો. 2024ના વર્ષના અંતે આયોગ પાસે 3556 જેટલા કેસો પડતર હતા. 2024ના અંતે બોર્ડ – નિગમોના અધિકારીઓ – કર્મચારીઓ સામેની ફરિયાદોમાં પ્રાથમિક તપાસના 3750 કેસો પૈકી 939 કેસો પડતર રહ્યા છે.
આ વિભાગોના સૌથી વધુ કેસ
શહેરી વિકાસ વિભાગના 707
પંચાયત વિભાગના 697
મહેસૂલ વિભાગના 573
માર્ગ મકાન વિભાગના 313
ઉદ્યોગ વિભાગના 184
શિક્ષણ વિભાગના 171
કૃષિ વિભાગના 140
આરોગ્ય વિભાગના 137
નર્મદા – જળ સંપત્તિ વિભાગના 121
પ્રાથમિક તપાસના કેસો
ગુજરાત પાણી પુરવઠા વિભાગના 46
સરદાર સોરવર નર્મદા નિગમના 38
ગુજરાત મેરી ટાઈમ બોર્ડના 35
પશ્વિમ ગુજરાત વીજ કંપનીના 11
એસટી નિગમના 10
૬૭૮ જાહેર સેવકો સામે શિસ્તભંગની કાર્યવાહીની સૂચના
ગુજરાત તકેદારી આયોગ દ્વારા વર્ષ-૨૦૨૪ના અહેવાલમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતા અને વહીવટી શિથિલતા અંગે ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે. આયોગે વર્ષ દરમિયાન ૧૩૮૨ જેટલા જાહેર સેવકો સામે વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. ભારે શિક્ષાની ભલામણ કરવામાં આવી છે. ૬૭૮ જાહેર સેવકો સામે ગંભીર પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી સૂચવવામાં આવી છે. લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરાયેલા છટકાના કેસો અને અન્ય તપાસના આધારે ૨૯ જાહેર સેવકો સામે ફોજદારી કાર્યવાહી (Prosecution) કરવાની મંજૂરી અપાઈ છે. ૫૪ સેવકો સામે હળવી શિક્ષા અને ૩૦ સામે નાણાકીય વસૂલાતની ભલામણ કરાઈ છે. ૫૮૮ કેસોમાં આક્ષેપો સાબિત ન થતા તેને દફતરે (Close) કરવાની સલાહ આપવામાં આવી છે.
જવાબદારો નિવૃત થઇ ગયા છતાં તપાસ નહીં થઇ
આયોગે અહેવાલમાં ખાસ નોંધ્યું છે કે અનેક કિસ્સાઓમાં વિભાગો દ્વારા તપાસ અહેવાલ મોકલવામાં ૫ થી ૧૨ વર્ષ જેટલો અસાધારણ વિલંબ કરવામાં આવે છે. આ વિલંબના કારણે જવાબદાર અધિકારીઓ વયનિવૃત્ત થઈ જાય છે, જેના પરિણામે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી શક્ય બનતી નથી. ઉદાહરણ તરીકે વન અને પર્યાવરણ વિભાગમાં વર્ષ ૨૦૦૯ની ફરિયાદનો નિકાલ ૨૦૨૨માં થતા ૫ આક્ષેપિતો નિવૃત્ત થઈ ગયા હતા. તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગમાં પોરબંદર-દ્વારકા હાઈવેના કામમાં ૮ વર્ષના વિલંબને કારણે ૧૧ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકી ન હતી. તળાવ ઉંડા ઉતારવામાં ગેરરીતિમાં ૧૨ વર્ષ બાદ પણ પોલીસ ફરિયાદ નહીં થઇ. બોડેલી સિંચાઈ વિભાગ હસ્તક તળાવ ઉંડા ઉતારવાના કામમાં થયેલી મોટી અનિયમિતતામાં આયોગે છેતરપિંડી અને ઉચાપત બદલ પોલીસ ફરિયાદની ભલામણ કરી હતી. જોકે, વિભાગે રેકોર્ડ તૈયાર કરવામાં ૧૨ વર્ષનો વિલંબ કરતા હજુ સુધી ગુનો નોંધાઈ શક્યો નથી. આ કિસ્સામાં ઇજારદાર પાસેથી ૨૬ લાખથી વધુની રકમ વસૂલ કરવામાં આવી છે.
આયોગની ભલામણો
આયોગે માત્ર શિક્ષાત્મક જ નહીં, પણ ભ્રષ્ટાચાર અટકાવવા માટે વહીવટી સુધારાઓ માટે પણ મહત્વના સૂચનો આપ્યા છે. તેમાં ઈ-તકેદારી પોર્ટલ, પ્રોસેસ રી-એન્જિનિયરિંગ, ઓટોમેશન અને પારદર્શિતા વધારવાના પગલાં પર ભાર મૂકાયો છે, જેથી ભવિષ્યમાં ગેરરીતિઓ અટકાવી શકાય.ખાસ કરીને ઓનલાઇન પોર્ટલ, ઈ-તકેદારી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી વ્યવસ્થાઓ દ્વારા પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.તકેદારી આયુક્ત સંગીતા સિંહે અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે જો સમયમર્યાદાનું પાલન અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર સામેની લડત વધુ અસરકારક બની શકે છે.
સંગીતાસિંહે ટિપ્પણી કરી છે કે ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોના નિકાલમાં નક્કી કરેલી સમયમર્યાદાનું પાલન થતું નથી, જેના કારણે અરજદારોને વારંવાર એક જ ફરિયાદ માટે દોડધામ કરવી પડે છે.તેમણે રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે વિભાગોના વડાઓ તેમજ બોર્ડ-નિગમોના અધિકારીઓ દ્વારા સમયસર કાર્યવાહી ન થવાને કારણે ફરિયાદોની પ્રક્રિયા લંબાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમયમર્યાદાનું કડક પાલન જ અસરકારક ફરિયાદ નિવારણ માટે આવશ્યક છે.તકેદારી આયોગે આ સ્થિતિને લઈને વિભાગોને ચેતવણી આપતા જણાવ્યું છે કે સમયસર કાર્યવાહી કરવી,પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવો,અને જવાબદારી નક્કી કરવી અત્યંત જરૂરી છે.વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ અને જવાબદારીનું નિર્ધારણ જ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ચાવી છે.