National

અરવિંદ કેજરીવાલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી, હવે સુપ્રીમ જશે દિલ્હીના CM

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) કૌભાંડ કેસમાં આજે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના (High Court) આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

વિગતવાર માહિતી મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી સ્કેમમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે લોક સભા ચૂંટણીના પ્રચાર માટે તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. તેમજ ચૂંટણી પૂર્ણ થતા જ તેમણે આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમને ઇડીના કેસમાં જામીન મળી ગયા હતા. જોકે તરત જ સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને પડકારતી અને સીબીઆઇની તપાસને બિનજરુરી ઠરાવતી જામીન અરજી કરી હતી. જે આજે 5 ઓગષ્ટના રોજ દિલ્હીની હાઇ કોર્ટ ફગાવી દીધી હતી.

હાઇ કોર્ટમાંથી નિરાશાજનક નિર્ણય બાદ હવે અરવિંદ કેજરીવાલ CBI દ્વારા ધરપકડ અને જામીન અરજીને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કારણ કે દિલ્હીની હાઇકોર્ટે સીબીઆઈ કેસમાં ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતી કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે જામીન માટે દિલ્હીના મુખ્યમંત્રીને નીચલી કોર્ટમાં જવાનું કહ્યું છે.

રાહત માટે નીચલી કોર્ટમાં જવાનું કહ્યું
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એવું કહી શકાય નહીં કે કેજરીવાલની ધરપકડ કોઈ યોગ્ય કારણ વગર કરવામાં આવી હતી. તેમજ હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની જામીન અરજીનો પણ નિકાલ કર્યો હતો અને તેમને રાહત માટે નીચલી કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી હતી.

હાઈકોર્ટે 17 જુલાઈના રોજ આદેશ અનામત રાખ્યો હતો
CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર હાઈકોર્ટે અગાઉ 17 જુલાઈએ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. “હવે કેજરીવાલ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. AAPના જણાવ્યા મુજબ, ’’સુપ્રીમ કોર્ટે તેમને એક્સાઇઝ પોલિસી સંબંધિત EDના મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન આપી દીધા છે.”

Most Popular

To Top