Gujarat

ગજેરા બંધુઓ સામેની છેતરપિડીની ફરિયાદ ક્વોસિંગ કરવાનો હાઈકોર્ટનો ઈન્કાર

અમદાવાદ: સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ હરિભાઈ ગજેરા સહિતના આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી અંદાજે રૂ. ૧,૯૦૦ કરોડની છેતરપિંડી અને દસ્તાવેજોમાં છેડછાડ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. જસ્ટીસ એમ આર મેંગડેએ અરજદારોની એફઆઈઆર રદ કરવાની માંગણી ફગાવી દીધી છે અને પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે.

સુરતના ડીસીબી પોલીસ મથકે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓ પર નાણાકીય ગેરરીતિ, ગેરકાયદેસર નાણાં વ્યવહાર અને ખોટી સહીઓ કરીને શેરહિસ્સામાં મોટો ઘટાડો કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમના પરિવારની સહીઓ ખોટી રીતે દસ્તાવેજોમાં કરીને કંપનીમાં તેમનો હિસ્સો ૪૩ ટકા પરથી ઘટાડી માત્ર ૪ ટકા કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ગાંધીનગર સ્થિત ન્યાયિક વિજ્ઞાન પ્રયોગશાળાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં દસ્તાવેજો પરની સહીઓ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ મહત્વના પુરાવાને ધ્યાને લઈને જસ્ટીસ મેંગડેએ નોંધ્યું હતું કે, જ્યારે હસ્તાક્ષર નિષ્ણાતનો અહેવાલ અરજદારો વિરુદ્ધમાં હોય અને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સાબિત થતો હોય ત્યારે તપાસમાં થયેલો વિલંબ ગૌણ ગણાય છે. અરજદારો તરફથી આ મામલો દીવાની વિવાદ ગણાવી અને ફરિયાદમાં વિલંબનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ન્યાયાલયે આ દલીલોને માન્ય રાખી નથી. સાથે જ જસ્ટીસ મેંગડેએ સ્પષ્ટ નિરીક્ષણ કર્યું હતું કે સહીઓની સત્યતા અને જવાબદારીનો મુદ્દો સંપૂર્ણ રીતે ટ્રાયલ દરમિયાન નક્કી થશે અને હાલના તબક્કે તપાસ અટકાવવી યોગ્ય નથી. જસ્ટીસ મેંગડેએ એફઆઈઆર પણપર સ્થગિત કરવાની માંગણી પણ ફગાવી દીધી છે.

Most Popular

To Top