Top News Main

હાઇ એલર્ટ: જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી નેપાળ માર્ગે બિહારમાં ઘૂસ્યા

બિહારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર પોલીસ મુખ્યાલયને માહિતી જાહેર કરી છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે. જૈશ-એ-મોહમ્મદ આ એક ઈસ્લામિક આતંકવાદી જૂથ છે.

મળતી માહિતી મુજબ આ આતંકવાદીઓના નામ હસનૈન અલી (રહે. રાવલપિંડી), આદિલ હુસૈન (રહે. ઉમરકોટ) અને મોહમ્મદ ઉસ્માન (રહે. બહાવલપુર) છે. પોલીસએ ત્રણેય આતંકવાદીઓના નામ અને તેમના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે જેથી લોકો તેમને ઓળખી શકે.

સરહદી જિલ્લાઓને ચેતવણી આપી
પોલીસ મુખ્યાલયે નેપાળ સરહદ પરથી પ્રવેશેલા આ આતંકવાદીઓ અંગે ખાસ ચેતવણી જાહેર કરી છે. સરહદી જિલ્લાઓના એસપીઓને સતર્ક રહેવા કહ્યું છે. નેપાળ સાથે જોડાયેલા વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહ્યું છે. બિહાર પૂર્ણિયા વિસ્તારના ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ મુખ્યાલયની સૂચના બાદ સરહદી વિસ્તારોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

આતંકવાદીઓની યોજના શું ?
ગુપ્તચર સૂત્રો મુજબ આ ત્રણેય આતંકવાદીઓ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયે કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ત્રીજા અઠવાડિયામાં બિહારની સરહદમાં પ્રવેશ્યા હોવાનો અહેવાલ છે. શંકા છે કે તેઓ દેશમાં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીના સમયમાં સુરક્ષાને લઇને આ એક ગંભીર મુદ્દો બની ગયો છે.

સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી શરૂ
ત્રણેય આતંકવાદીઓના પાસપોર્ટ તથા ઓળખ સંબંધિત વિગતો ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરવામાં આવી છે. પોલીસે સીતામઢી, મધુબની, પશ્ચિમ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સુપૌલ જેવા સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યો છે. સ્થાનિક પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખી સતર્કતા વધારી
બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સક્રિય છે. આવા સમયમાં આતંકવાદીઓની એન્ટ્રી રાજ્ય માટે ચિંતાજનક છે. પોલીસ મુખ્યાલયે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હરકત નજરે ચડે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવી.

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પ્રવેશ બાદ બિહાર સહિત આખા દેશમાં સતર્કતા વધી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ સતત ગુપ્તચર માહિતી એકત્રિત કરી રહ્યા છે અને આતંકવાદીઓને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણી પૂર્વે આવી ચેતવણી રાજ્યમાં સુરક્ષાની દ્રષ્ટિએ મોટી કસોટી બની શકે છે.

Most Popular

To Top