Gujarat

રાજકોટમાં મહિલા તબીબના ક્લિનિકમાં છૂપો કેમેરો ફીટ કર્યો

રાજકોટ : રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી તેમની અંગત પળોના વીડિયોને રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકારો સહિતની ટોળકી સામે સાયબર ક્રાઇમમાં ગૂનો નોંધાયો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો. બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો. જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું.

મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમમાં પાગલ ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. રાજકોટ સાયબર ક્રાઇમ ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગત 20 માર્ચના રાજકોટ શહેર સાયબર ક્રાઇમમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54, 61 અને IT એક્ટ 66(E), 67 અને 67(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ડૉ. કમલ ચમનલાલ નાંઢા સહિત 12 આરોપીઓ હતા. જેમાં 22 માર્ચના પોલીસે મુખ્ય આરોપી 32 વર્ષીય ડૉ. કમલ નાંઢાની પોલીસે અટકાયત કરી હતી. ACP પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ અંગત પળોના વીડિયો 2023ના હતા, જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ અને એક મોબાઈલ નંબર જેમના છે તે તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top