Gujarat

અમદાવાદ એરપોર્ટ પર ₹35 કરોડનું હેરોઈન ઝડપાયું

અમદાવાદ: મલેશિયાથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ચેન્નઈના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે અંદાજે રૂ.૩૫ કરોડનું હેરોઈન પકડી પાડ્યું છે. એર એશિયાની ફ્લાઈટ મારફતે મલેશિયાથી અમદાવાદ પહોંચેલા કુતુબ શિયાઉદ્દીન નામના પ્રવાસીની શંકાના આધારે તપાસ કરતાં તેની બેગેજમાંથી સ્પા અને મસાજ પાર્લરમાં ઉપયોગમાં લેવાતા હર્બલ સાબુના સ્વરૂપમાં છુપાવેલું હેરોઈન મળી આવ્યું હતું. કુલ ૨૯ પેકેટમાં હેરોઈન અત્યંત સુયોજિત રીતે છૂપાવવામાં આવ્યું હતું, જેથી સ્કેનિંગ અને પ્રાથમિક તપાસમાં તે નજરે ન ચડે.

કસ્ટમના સૂત્રો જણાવ્યા મુજબ, સામાન્ય પ્રવાસી દ્વારા મલેશિયાથી આટલી મોટી માત્રામાં હર્બલ સાબુ લાવવામાં આવતા અધિકારીઓને શંકા ગઈ હતી. વિગતવાર ચકાસણીમાં આ સાબુ વાસ્તવમાં હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું, જે ખાસ ટેક્નિકથી તૈયાર કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં કિંમત ₹૩૫ કરોડ આંકવામાં આવી રહી છે, જ્યારે એક કિલોગ્રામ હેરોઈનની કિંમત ₹૫ કરોડ જેટલી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે આ કેસને ગંભીરતાથી લઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના કડીઓ શોધવા તપાસ તેજ બનાવી છે. મલેશિયા, ચેન્નઈ અને અન્ય સંભવિત લિંક્સના આધારે વધુ ધરપકડો અને મોટા ખુલાસાની શક્યતા નકારી શકાય તેમ નથી. અમદાવાદ એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા માટે મોટો ઝટકો છે, પરંતુ સાથે જ સુરક્ષા એજન્સીઓ માટે ચેતવણી પણ છે કે હવાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી સામે વધુ કડક વ્યવસ્થા જરૂરી બની છે.

અમદાવાદ એરપોર્ટની બહાર હેરોઈનની ડિલિવરી આપવાની હતી
કસ્ટમ્સની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ચેન્નઈમાં સક્રિય ડ્રગ્સ માફિયાએ કુતુબ શિયાઉદ્દીનને મલેશિયા મોકલ્યો હતો અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. પેસેન્જર માત્ર કેરિયર તરીકે કામ કરતો હતો અને અમદાવાદ એરપોર્ટની બહાર કોઈ વ્યક્તિને આ હેરોઈનની ડિલિવરી આપવાની યોજના હતી. કસ્ટમ વિભાગે પેસેન્જરની ધરપકડ કરી તેનું નિવેદન લીધું છે તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી, મોબાઈલ ડેટા અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ગુજરાતના એરપોર્ટ્સ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ રૂટ
ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૧૪ કરોડ ૬૦ લાખના હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી પકડાયા બાદ તુરંત જ અમદાવાદ એરપોર્ટ પર હેરોઈનની આ મોટી હેરાફેરી સામે આવી છે. સતત સામે આવી રહેલા આવા કેસો પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના એરપોર્ટ્સને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Most Popular

To Top