National

હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં પાસ, વિશ્વાસ પ્રસ્તાવને મળી 45 મતોની બહુમત

નવી દિલ્હી: હેમંત સોરેન (Hemant Soren) જેલમાંથી બહાર આવ્યા બાદ ઝારખંડના (Jharkhand) રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે ઝારખંડના પૂર્વ સીએમ સીએમ ચંપાઈ સોરેને રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી ફરી એકવાર હેમંત સોરેને સીએમ પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ આજે સોમવારે હેમંત સોરેને વિશ્વાસ પ્રસ્તાવ (Faith proposal) રજુ કર્યો હતો.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી હતી. આ પહેલા ફ્લોર ટેસ્ટ દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે વિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. અગાઉ હેમંત સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને 44 ધારાસભ્યોના હસ્તાક્ષર ધરાવતો સમર્થન પત્ર સોંપ્યો હતો. જોકે, તેમની તરફેણમાં 45 મત આવ્યા હતા. હેમંત સોરેનને ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, RJD, CPI(ML)નું સમર્થન છે. જ્યારે વિપક્ષ પાસે પૂરતો ડેટા નથી.

હેમંત સોરેનની તરફેણમાં 45 મત
હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ 28 જૂને જેલમાંથી મુક્ત થયા હતા. ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. હેમંત સોરેનને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા પછી ચંપાઈ સોરેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ચંપાઈ સોરેને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ હેમંત સોરેન માટે સીએમ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, હવે હેમંત સોરેને રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં અન્ય સહિત તેમના સાથી પક્ષોને કુલ 45 મત મળ્યા હતા. આ સાથે હેમંત સોરેને બહુમતી સાથે વિશ્વાસ પ્રસ્તાવ પણ જીતી લીધો હતો.

4 જુલાઈના રોજ સોરેને સીએમ તરીકે શપથ લીધા
અગાઉ ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્ર નાથ મહતોએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે એક કલાકનો સમય આપ્યો હતો. ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ધારાસભ્યોએ હેમંત સોરેનની તરફેણમાં મતદાન કર્યું હતું.

અગાઉ 31 જાન્યુઆરીએ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેના થોડા સમય પહેલા જ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેના એક અઠવાડિયા બાદ હેમંત સોરેને 4 જુલાઈએ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

Most Popular

To Top