National

હેમંત સોરેન બન્યા ઝારખંડના મુખ્યમંત્રી, ધરપકડના 156 દિવસ બાદ લીધા શપથ

ઝારખંડ: ઝારખંડના (Jharkhand) રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનના નવા નેતા હેમંત સોરેનને (Hemant Soren) નવા મુખ્ય મંત્રી (Chief Minister) તરીકે નિયુક્ત કરીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે હેમંત સોરેને આજે એટલે કે 4 જુલાઈએ સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમજ શપથગ્રહણ માટે ઝારખંડના મુખ્યમંત્રી પોતાના પિતા શિબુ સોરેન સાથે રાજભવન પહોંચ્યા હતા.

આ ત્રીજી વખત છે કે જ્યારે હેમંત સોરેને સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ 2013માં પ્રથમ વખત સીએમ બન્યા હતા. આ પછી 2019 માં JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનએ હેમંત સોરેનના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને સોરેન બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 2024માં હેમંત સોરેન ઝારખંડમાં ત્રણ વાર સીએમ તરીકે શપથ લેનારા ત્રીજા નેતા બન્યા છે. આ પહેલા તેમના પિતા શિબુ સોરેન અને બીજેપીના અર્જુન મુંડાએ ત્રણ-ત્રણ વખત સીએમ તરીકે શપથ લીધા હતા.

હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ ઝારખંડના રાજભવનમાં યોજાયો હતો. તેમનો આ શપથગ્રહણ સમારોહ એટલે પણ ખાસ છે કારણ કે અગાઉ અહીંથી જ તેમની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બરાબર 156 દિવસ બાદ સોરેને રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમજ આ પ્રસંગને તેમણે ન્યાયની જીત અને કેન્દ્ર સરકારની હાર ગણાવી હતી.

શપથગ્રહણ સમારોહ માટે સોરેન ગુરુવારે બપોરે રાભવન પહોંચ્યા હતા
રાજ્યપાલના આમંત્રણ પર હેમંત સોરેન ‘ભારત’ ગઠબંધનના ટોચના નેતાઓ સાથે ગુરુવારે બપોરે રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમને ઔપચારિક નિમણૂક પત્ર સોંપવામાં આવ્યો અને સરકાર બનાવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે શપથ લેતા પહેલા હેમંત સોરેન પિતા શિબુ સોરેનને મળ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

આ પહેલા ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન બુધવારે સાંજે 7:15 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ શાસક ગઠબંધનના નવા નેતા હેમંત સોરેને 45 ધારાસભ્યો તરફથી રાજ્યપાલને સમર્થનનો પત્ર આપ્યો હતો, જેમાં નવી સરકાર માટે દાવો કરવામાં આવ્યો હતો.

હેમંત સોરેને ધરપકડ પહેલા રાજીનામું આપી દીધું હતું
31 જાન્યુઆરીએ જ્યારે હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને ચંપાઈ સોરેન કે જેઓ તેમની કેબિનેટનો ભાગ હતા તેમણે 2 ફેબ્રુઆરીએ સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે પાંચ મહિના પછી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હેમંત સોરેન 28 જૂનના રોજ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી મુક્ત યયાના છઠ્ઠા દિવસે જ ગઠબંધને ફરી એકવાર ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી.

Most Popular

To Top