નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને (Hemant Soren) આજે બુધવારે રાંચીમાં તેમના નિવાસસ્થાને શાસક ધારાસભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં હેમંત સોરેન ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા હતા. તેમજ સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બને તેવી સંભાવના છે. ત્યારે આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં સત્તા પરિવર્તનને લઈને ગઠબંધનના ભાગીદારો વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે અને હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બને તેવી સંભાવના છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને યુપીએ સંકલન સમિતિના અધ્યક્ષ અને જેએમએમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા બ્લોકના ધારાસભ્યો રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળશે અને ચંપાઈ સોરેન તેમને પોતાનું રાજીનામું સોંપશે.
અગાઉ હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં તેમની ધરપકડ પહેલાં આવી જ એક બેઠક યોજી હતી, જે દરમિયાન તેમણે કલ્પના સોરેનને ઝારખંડના આગામી મુખ્ય પ્રધાન બનાવવા માટે સમર્થનના પત્ર પર ધારાસભ્યોની સહીઓ મેળવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે સોરેનની જામીન પર મુક્તિ પછીના વર્તમાન રાજકીય માહોલને જોતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તે શક્યતા નકારી શકાય તેમ નથી. પરંતુ રાજ્યમાં સત્તા પરિવર્તન થઈ શકે છે તેવી પણ અટકળો ચાલી રહી છે.
કલ્પના સોરેન સહિત તમામ ધારાસભ્યો મીટિંગ હાજર
હેમંત સોરેનની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, ઝારખંડ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, કલ્પના સોરેન, ઈરફાન અંસારી સહિત JMM, કોંગ્રેસ, RJD સહિત સત્તારૂઢ ભારતના તમામ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી.
ધારાસભ્યોને બેઠકમાં ફરજીયાત હાજર રહેવા સૂચના
રાંચીમાં યોજાયેલી આ બેઠકમાં INDIA ગઠબંધનના તમામ ધારાસભ્યોને ફરજીયાતપણે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે ચંપાઈ સોરેને મીટિંગ માટેના તેમના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા હતા. ત્યારે આગામી સૂચના સુધી તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. મંગળવારે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ સીએમ ચંપાઈ સહિત ઘણા મંત્રીઓના કાર્યક્રમો હતા, તે પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા.
28 જૂને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી પ્રમુખ સોરેનની 31 જાન્યુઆરીએ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હેમંત સોરેનને રાંચીની બરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ 28 જૂનના રોજ ઝારખંડ હાઈકોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન આપ્યા હતા. આ પહેલા કોર્ટે 13 જૂને સોરેનની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.