ભોપાલ: મધ્ય પ્રદેશ(Madhya Pradesh)માં ગુરુવારે લોકાયુક્ત પોલીસે બિલખિરિયામાં પાડેલા દરોડાથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. આ કાર્યવાહીમાં મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પ્રભારી સહાયક એન્જિનિયર(Assistant Engineer) (કોન્ટ્રાક્ટમાં) તરીકે ફરજ બજાવતાં હેમા મીણા (Hema Meena)ના બિલખિરિયા ખાતેના ઘરમાં લાખોની સંપત્તિ મળી છે. લોકોને આશ્ચર્યચકિત કરતી વાત એ છે કે હેમા મીણાનું માસિક વેતન માત્ર 30 હજાર રૂપિયા છે. જ્યારે તેના ઘરમાં મળેલા એક ટીવી સેટની કિંમત જ 30 લાખ રૂપિયા છે.
લોકાયુક્ત પોલીસ અનુસાર, કોન્ટ્રાક્ટ પર નોકરી કરનાર સહાયક એન્જિનિયર હેમા મીણાનું માસિક વેતન 30 હજાર રૂપિયા છે પણ હેમાએ 13 વર્ષની નોકરીમાં આવકથી 232% વધુની સંપત્તિ હાંસલ કરી છે. વેતન અનુસાર હિસાબ કરવામાં આવે તો હેમાની સંપત્તિ વધુમાં વધુ 18 રૂપિયા થવી જોઈએ.
હેમા મીણા તેના પિતાના નામ પર 20 હજાર સ્ક્વેર ફૂટ જમીન પર બનેલા 40 રૂમના બંગલામાં રહે છે. જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેના ફાર્મ હાઉસથી 50 થી વધુ વિદેશી પ્રજાતિના શ્વાન મળ્યા છે. જેમની કિંમત લાખોમાં છે. સાથે જ અંદાજે 60-70 જુદા-જુદા પ્રકારની ગાયો પણ મળી છે.
કુતરાઓ માટે રોટલી બનાવવાની મશીન
ખાસ વાત તો એ છે કે 20 હજાર સ્ક્વેર ફૂટના આ આલિશાન બંગલામાં દર્જનો કર્મચારીઓ સાથે વાત કરવા માટે હેમા મીણા વોકી-ટોકીનો ઉપયોગ કરતી હતી. આટલું જ નહીં, લોકાયુક્ત પોલીસને છાપેમારી દરમિયાન કોન્ટ્રાક્ટ પરના એન્જિનિયરના બંગલામાં રોટલી બનાવવાની પણ મશીન મળી છે. 2.50 લાખ રૂપિયાની આ મશીનનો ઉપયોગ કુતરાઓ માટે રોટલી બનાવવામાં થાય છે. હેમા મીણાના અનેક લગ્ઝરી આઈટમ્સ મળી હતી. બંગલાના એક રૂમમાંથી બોક્સ પેક 30 લાખ રૂપિયાનો એક ટીવી સેટ મળ્યો હતો. સાથે જ 2 ટ્રક, 1 ટેન્કર અને મહિન્દ્રાની થાર સહિત 10 મોંઘી ગાડીઓને જપ્ત કરવામાં આવી છે.
આવી રીતે પહોંચી પોલીસ બંગલા સુધી
લોકાયુક્ત પોલીસની 50 લોકોની ટીમ હેમા મીણાના વિરૂદ્ધ કાર્યવાહી કરવા પહોંચી. ત્યારે બંગલા પર તૈનાત ગાર્ડ્સએ તેમણે અંદર જવાથી અટકાવી હતી. ત્યારે સિવિલ ડ્રેસમાં પહોંચેલા ટીમના સભ્યોએ પશુપાલન વિભાગના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી હતી. સાથે જ બંગલામાં લાગેલા સોલર પેનલ ચેક કરવાનો બહાનો બનાવીને અંદર ઘુસ્યા હતા. ત્યાર બાદ બંગલામાં ઉપસ્થિત હેમા મીણાને એક રૂમમાં બેસાડીને તેના મોબાઈલ ફોન જપ્ત ર્ક્યા અને કાર્યવાહી શરૂ કરી હતી.
પતિથી ડિવોર્સ લઈ ચૂકેલી હેમા મીણા રાયસેન જિલ્લાના ચપના ગામની રહેવાસી છે. વર્ષ 2011માં તેની કોન્ટ્રાક્ટ પર નોકરી લાગી હતી. હાલમાં તે મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પ્રભારી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહી છે.