સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે બુધવારે સુરત આવેલા કોંગ્રેસના નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી હતી. સાથે સાથે આ પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જ કોંગ્રેસ દ્વારા ‘હેલ્લો સુરત’ એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા પક્ષનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવ્યો હતો.
‘હેલ્લો સુરત’ (HELLO SURAT) એપ જાહેર કરવાની સાથે કોંગ્રેસના સુરતના ઈન્ચાર્જ અને માજી મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતમાં અને ભાજપના શાસનમાં પ્રજા હાડમારીની સાથે આર્થિક નુકસાન વેઠી રહી છે. શાસકોએ પ્રજાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળીને યોજનાઓ બનાવી, બજેટ તૈયાર કરી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ પરંતુ તેને બદલે ભાજપ શાસકો ઉલ્ટું જ કરી રહ્યા છે. પ્રજાના મનની વાત સાંભળવાને બદલે તેઓ પોતાના મનની વાત સંભળાવી રહ્યા છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રજાની વાત સાંભળીને તેને થતાં અન્યાયના મામલે બુલંદ અવાજ ઉઠાવવામાં આવશે. હવે સત્તા પરિવર્તન નજીકમાં જ છે ત્યારે લોકોને ન્યાય મળે તેવા મુદ્દાઓનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવ્યો છે. સત્તા પર આવ્યા બાદ તેના પર કામ કરવામાં આવશે. આજની પત્રકાર પરિષદમાં તુષાર ચૌધરીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા તેમજ નિરીક્ષકો અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર, નાનુ વાઘાણી તેમજ અન્યો હાજર રહ્યા હતાં.