Columns

‘નમસ્કાર! મેં રવિશ કુમાર’ આ ફિલ્મ પણ રવિશની જેમ ચર્ચાઈ રહી છે…

હાલમાં દક્ષિણ કોરિયામાં આયોજિત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘while we watched’નામની ફિલ્મને એવોર્ડ મળ્યો છે. હિંદીમાં આ ફિલ્મનું ટાઇટલ છે : ‘નમસ્કાર! મેં રવિશ કુમાર’. આ અગાઉ પણ આ ફિલ્મને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મળી ચૂક્યું છે. બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મળવું એ ગૌરવની બાબત છે કારણ કે દક્ષિણ કોરિયા ફિલ્મમેકિંગમાં નીવડેલો દેશ ગણાય છે. સૌને સ્મૃતિમાં હશે કે 2019માં ઓસ્કાર એવોર્ડમાં ધૂમ મચાવનારી ‘પેરેસાઇટ’નામની ફિલ્મ પણ દક્ષિણ કોરિયાની જ હતી. ‘while we watched’ ફિલ્મનું ટિઝર કે ટ્રેઇલર કશું જ આવ્યું નથી પરંતુ આ ફિલ્મની ચર્ચાએ અત્યારથી તેના પ્રત્યેની ઉત્સુકતા વધારી છે અને તે કારણે પણ ફિલ્મના કન્ટેન્ટ વિશે ખૂબ લખાઈ રહ્યું છે.

આ ફિલ્મના ડિરેક્ટર વિનય શુકલા છે અને આ ફિલ્મ સંદર્ભે પણ તેમના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે. મીડિયા ક્ષેત્રે જ્યારે આજે રીતસરની અફરાતફરી ચાલી રહી છે ત્યારે ‘while we watched’ દર્શકોને સાચું ચિત્ર બતાવવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત, મીડિયા હાઉસમાં દિવસભર જોવા મળતો માહોલ પણ તેમાં ઝીલાયો છે. તે સિવાય જે રીતે રવિશ કુમાર છેલ્લા બે દાયકાથી ભારતીય ન્યૂઝ ચેનલોમાં કાર્ય કરે છે અને પ્રાઇમટાઇમ સ્લોટમાં વિવિધ ન્યૂઝ સાથે ડિલ કરે છે તે પણ આ ડોક્યુમેન્ટરી થકી જોવા મળે છે. આ અગાઉ વિનય શુકલાએ અરવિંદ કેજરીવાલના ઊગતા કાળની ડોક્યુમેન્ટરી બનાવી છે. અરવિંદ કેજરીવાલને કેન્દ્રમાં રાખતી ‘એન ઇન્સિગ્નિફીકેન્ટ મેન’ નામની ફિલ્મમાં વિનય શુકલા કો-ડિરેક્ટર હતા.

ભારતીય મીડિયાનો જેમ વિસ્તાર થઈ રહ્યો છે તેમ તેની વિશ્વસનીયતા ઘટી રહી છે અને એટલે જ ‘વર્લ્ડ પીસ ફ્રિડમ ઇન્ડેક્સ- 2022’ ના સર્વેમાં ભારતીય મીડિયાનું ગ્લોબલ રેન્કિંગ 150માં સ્થાને છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 8 પાયદાન ભારત નીચે આવ્યું છે. ભારતીય મીડિયાનું આ ધોવાણ વચ્ચે કેટલાક પત્રકારો હજુય પોતાના અવાજમાં સચ્ચાઈનો રણકો અકબંધ રાખી શક્યા છે, તેમાં એક નામ રવિશ કુમારનું છે. રવિશ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી‘NDTV’ સાથે કાર્યરત છે. રિપોર્ટરથી શરૂ થયેલી તેની આ સફર આજે એક્ઝિક્યુટીવ એડિટર સુધી પહોંચી છે. તેમનો દમખમ તેઓ બૂમ લઈને લોકો વચ્ચે ગ્રાઉન્ડ પર ફરતા હતા ત્યારે પણ દેખાતો અને આજે જ્યારે સ્ટુડિયોમાંથી દેશભરના મહત્ત્વના ન્યૂઝનું એનાલિસિસ કરે છે ત્યારે પણ દેખાય છે. રવિશે આજના મીડિયા યુગમાં સરકારની મર્યાદા દાખવીને ચિત્રને સંતુલિત કરવાનું કામ કર્યું છે.

તેમણે સતત ગુણવત્તાભર્યું કામ કર્યું છે અને વર્તમાન રાજકીય ચિત્રની મર્યાદા-ખૂબીને તેઓ જાણે છે અને તેને બયાન પણ કરતા રહ્યા છે. રવિશ કુમારની પત્રકાર તરીકેની સફળ અને સાતત્યભરી કારકિર્દી માટે તેમને અનેક સન્માન પણ મળ્યા છે. 2019માં તેઓને પ્રતિષ્ઠિત‘રેમન મેગ્સેસે એવોર્ડ’ પણ મળ્યો છે.  ભારતીય મીડિયાનો ચહેરો બનેલા રવિશ કુમાર હવે ન્યૂઝ ચેનલોના થોડા પણ જાગ્રત દર્શકો માટે અજાણ્યું નામ નથી. તેમના કાર્યથી તો તેમનો પરિચય સતત મીડિયામાં થતો રહે છે પણ સરકારના તરફેણ-વિરોધ કરનારા વચ્ચે પણ રવિશનું નામ ફંગોળાતું રહે છે. એ રીતે રવિશ વિશેષ બન્યા છે અને તેથી જ તેમના પર ફિલ્મ નિર્માણ કરવાનું વિનય શુકલાએ વિચાર્યું છે.

અત્યારે તો આ ફિલ્મ વિશે જે કન્ટેન્ટ ઉપલબ્ધ થયું છે તે પરથી તેની વાત કરવાની છે. જેમ કે ‘ફર્સ્ટપોસ્ટ’ન્યૂઝ પોર્ટલ પર ડિરેક્ટર વિનય શુકલાએ ઇન્ટરવ્યૂ આપ્યો છે અને તેઓએ આ ફિલ્મ વિશે વિગતે વાત કરી છે. આ મુલાકાતમાં એક પ્રશ્ન એ છે કે આ ફિલ્મમાં શું નવું છે અને તે કેમ રવિશ કુમાર પર બની છે? આ વિશે વિનય શુકલા કહે છે કે, “ફિલ્મમેકિંગ સાથે મારું સંકળાવાનું કારણ એ છે કે હું એવું માનું છું કે સ્ટોરી દ્વારા તમે વિશ્વને વધુ સારું બનાવી શકો છો.

કેજરીવાલને કેન્દ્રમાં રાખીને જે ફિલ્મ બનાવી હતી તેમાં અમે દેશની રાજકીય સ્થિતિને સમજવા માંગતા હતા અને આ રાજકીય સ્થિતિમાં શું શ્રેષ્ઠ ઉકેલ હોઈ શકે તે પણ અમારી શોધ હતી. અમારી ફિલ્મમાં આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ અમારા કેરેક્ટર હતા અને તે વખતે વિશ્વમાં જે નવી રાજકીય મુવમેન્ટ આરંભાઈ હતી તેમાં તેમનું એક પ્રતિનિધિત્વ હતું અને આ બદલાવ હોંગકોંગ, કેન્યા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ જોવા મળી રહ્યો હતો, તેથી ત્યાં પણ તે ફિલ્મને ખૂબ આવકાર મળ્યો અને પછીથી પૂરા વિશ્વભરમાં તેને દર્શકો મળ્યા.”

રવિશ પરની ફિલ્મ નિર્માણ કરવાનો ઉદ્દેશ જણાવતાં વિનય કહે છે : “નવી ફિલ્મના વિચાર કરતાં મેં જોયું કે દેશનો કાયાકલ્પ થઈ રહ્યો છે. કેટલાંક પરિવર્તન અદ્વિતીય છે અને કેટલાંકને લઈને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે. મારે આ સ્ટોરી કોઈક રીતે કહેવી હતી, જેનાથી ફિલ્મ જોનારને કેટલાક પ્રશ્નો થાય. આ દરમિયાન હું કેટલાક એવા મિત્રોને મળ્યો જેમણે ન્યૂઝ જોવાનું સદંતર બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે ન્યૂઝનું કાર્ય આપણને સારી રીતે માહિતગાર અને જાગ્રત કરવાનું છે પરંતુ હવે તો ન્યૂઝ આપણને ડરાવી રહ્યા છે અને આ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં થઈ રહ્યું છે.

આ સ્થિતિથી વાકેફ કરવા મેં મારા ફિલ્મના કિરદાર તરીકે રવિશ કુમારને પસંદ કર્યા. વર્તમાન ન્યૂઝની દુનિયાને જ્યારે લાંબા પટ પર જોઈએ તો રવિશ કુમાર હજુ પણ તેમાં પ્રસ્તુત જણાય છે.” વિનય શુકલાએ જ્યારે ભારતીય મીડિયાના ચિત્રને દાખવવા રવિશ કુમારને કેન્દ્રમાં રાખ્યા ત્યારે તે વિશે પણ પ્રશ્ન થયા અને તેમના આ વિષયને કોઈ અન્ય પાત્રથી પણ ન્યાય આપી શકાયની પણ વાત આવી અને તેનો ઉત્તર આપતાં વિનય કહે છે કે : “ચોક્કસ કોઈ અન્ય વ્યક્તિ પણ તે દર્શાવવા હોઈ શકે. આ સ્ટોરી મૂળે તો એવા એકલદોકલ લોકોની કહાની છે જે મેઇનસ્ટ્રીમ સામે લડત આપી રહ્યા છે. આ મેઇનસ્ટ્રીમ હવે પોલિટિકલ મેઇનસ્ટ્રીમ છે.

ઉદ્યોગ સાહસિકોનું મેઇનસ્ટ્રીમ છે અને તે વેપારકેન્દ્રી મેઇનસ્ટ્રીમ છે. આ ફિલ્મ એવા લડવૈયાઓની છે જેઓ આ વચ્ચે એક વિદ્રોહની નિરાશા લઈને કામ કરે છે. આ પૂરા કિસ્સામાં એ વાતનું મહત્ત્વ નથી તમે કઈ વિચારધારાની ચર્ચા કરો છો. અમે પોતે પણ હાલના મીડિયાના આ માહોલમાં કામ કરીને પિસાયા. અમે એક તરફના લોકોને ખલનાયક બતાવ્યા તેનું કારણ એટલું જ કે અમે પણ રવિશ જેવા લડવૈયાઓની નિરાશા અનુભવી.” આ સંદર્ભે વિનયને જે બીજો પ્રશ્ન કરવામાં આવ્યો છે તે છે કે રવિશની જેમ એકલતાની અનુભૂતિ આજે મોટા વર્ગને થઈ રહી છે અને ફિલ્મ એ રીતે જ આગળ વધે છે, જેમાં ક્યાંક ને ક્યાંક એ અનુભૂતિ છે કે તમે વિજયી નથી ત્યાં સુધી તમારું કોઈ અસ્તિત્વ નથી.

આ માત્ર રવિશ માટે નથી તે સૌ માટે થઈ ગયું છે અને આ ફિલ્મની જે એક લાગણીસભર પ્રક્રિયા છે તેના છેવાડે એક આશા જન્માવી શકાય કે નહીં? આ સંદર્ભે વિનય કહે છે કે, “ફિલ્મ એવી જ લાગણી દર્શાવે છે જે હું સામાન્ય રીતે બોલતો હોઉં છું. મારા મિત્ર સુદ્ધાં કહેશે કે હું વધુ પડતો લાગણીશીલ છું. મારી પાછલી ફિલ્મ એ આદર્શવાદ માટે એક પ્રેમપત્ર સમાન હતી અને આ ફિલ્મ પત્રકારત્વ માટેનો એક સળગતો પત્ર છે.  હું પત્રકારોનો ચાહક છું. હું ન્યૂઝરૂમ ડ્રામાનું પણ વળગણ ધરાવું છું પરંતુ આ ફિલ્મ ન્યૂઝરૂમના ખરા આનંદને દર્શાવતી નથી.

આજે કોઈ પણ આશા સરળતાથી જન્મતી નથી.  તે ખૂબ મોટી કિંમત માંગી લે છે અને આ ફિલ્મ તે દાખવવા માટે સંભવત: ઉપયોગી થઈ શકે. જર્મન ફિલ્મ ડિરેક્ટર વર્નર હેરઝોગે એક ફિલ્મને સરસ ટાઇટલ આપ્યું હતું : ‘બર્ડન ઑફ ડ્રિમ્સ’.  જ્યારે પણ તમે કોઈ સપનાં જુઓ છો, તો તેની કિંમત કોઈએ ચૂકવવી પડે છે. તમે જાણો છો કે જ્યારે માતા-પિતા બાળકોના સારા ભવિષ્ય માટે સપનું સેવે ત્યારે તેઓ જ તેની કિંમત ચૂકવે છે. હું હંમેશાં લોકોને કહું છું કે આ ‘ટાઇટેનિક’ ફિલ્મની સ્ટોરી છે; પણ તે જેક અને રોઝ (ટાઇટેનિકના નાયક-નાયિકા) વિશે નથી પરંતુ જ્યારે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે જેઓ સતત સંગીત વગાડી રહ્યા હતા તેમના વિશે છે. તેઓ જે સારું કરી શકતા હતા તે તેમણે કર્યું. આ ફિલ્મ એવા જ સંગીત વગાડનારા મૂર્ખાઓ વિશે છે, જેઓ આજે સંગીત વગાડી રહ્યા છે.”

Most Popular

To Top