પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સતત વરસતા ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. મિરિક નજીક ડુડિયા આયર્ન બ્રિજ તૂટી પડતાં 6 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેથી લોકોએ ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દાર્જિલિંગ અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળા ઉફાન પર છે. મિરિક વિસ્તારમાં આવેલા ડુડિયા આયર્ન બ્રિજ પર ભારે પાણીનો દબાણ થતાં તે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થયાની પુષ્ટિ સ્થાનિક વહીવટીતંત્રે કરી છે.
આ બ્રિજ મિરિક, સિલિગુડી અને કુર્સિઓંગને જોડતો મુખ્ય માર્ગ હતો. બ્રિજ તૂટતાં વિસ્તારનો સંપર્ક તાત્કાલિક તૂટ્યો છે. અકસ્માત બાદ સ્થળ પર બચાવ ટીમો પહોંચી છે પરંતુ સતત વરસતા વરસાદ અને ભૂસ્ખલનને કારણે કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
વહીવટીતંત્રે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં મિરિક વિસ્તારમાં ધારા ગામમાં ત્રણ, મિરિક બસ્તીમાં બે અને વિષ્ણુ ગામમાં એક વ્યક્તિનાં મોત થયા છે. તેમજ ઘણા વિસ્તારોમાં લોકો ફસાયા હોવાની શક્યતા પણ છે. એનડીઆરએફની ટીમને પણ તાત્કાલિક દાર્જિલિંગ મોકલવામાં આવી છે.
ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ
દાર્જિલિંગ તરફ જતો મુખ્ય માર્ગ ભૂસ્ખલન અને ઝાડ પડવાથી અવરોધિત થયો છે. દિલારમ વિસ્તારમાં મોટું ઝાડ પડી જતા ટ્રાફિક સંપૂર્ણ બંધ થઈ ગયો છે. હુસૈન ખોલા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થતાં વાહન વ્યવહાર અટકી ગયો છે.
હાલમાં કુર્સિઓંગથી દાર્જિલિંગ જવા માટે ફક્ત પંખાબારી માર્ગ અને NH-110 ખુલ્લા છે. અન્ય બધા રસ્તાઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓ અને સરકારી કચેરીઓ તાત્કાલિક બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી વરસાદ ચાલુ રહી શકે છે. જેના કારણે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં વધુ નુકસાનની શક્યતા છે.