Gujarat

આગામી 24 કલાકમાં મધ્ય-દક્ષિણ ગુજરાત સહિત માવઠાની વકી

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહ્યું હતું. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર–કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ નોંધાઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં ખાસ ફેરફાર નોંધાયો નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું, જ્યારે દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સામાન્યથી થોડું વધુ નોંધાયું હતું. અમરેલી અને રાજકોટમાં 36 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં હવામાનમાં આંશિક પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં સુકું હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લાઓમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં મોરબી અને જામનગર જિલ્લામાં પણ આંશિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.

શહેરવાર મહત્તમ તાપમાન પર નજર કરીએ તો ભૂજમાં ૩૫° સે., નલિયામાં ૩૩°સે., કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ પર ૩૪°સે., અમરેલી અને રાજકોટમાં ૩૬° સે., ભાવનગર અને પોરબંદરમાં ૩૪° સે., સુરેન્દ્રનગરમાં ૩૫° સે., મહુવામાં ૩૩° સે., અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં ૩૫ °સે., વલ્લભ વિદ્યાનગરમાં ૩૩ °સે., વડોદરા અને સુરતમાં ૩૫° સે. તથા દમણમાં ૩૩ °સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ન્યૂનત્તમ તાપમાન બાબતે સૌરાષ્ટ્ર–કચ્છના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં ખાસ ફેરફાર થયો નહોતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ન્યૂનત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે, જ્યારે કચ્છ વિસ્તારમાં રાત્રિ અને વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ યથાવત્ છે.

Most Popular

To Top