Dakshin Gujarat

ઉમરગામને મેઘરાજાએ ધમરોળ્યું : 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તા-કોઝવે બંધ

ઉમરગામ: રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઉમરગામ (Umargam) તાલુકામાં ભારે વરસાદ (Rain Fall) ખાબક્યો હતો. ગત 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતા આઠ જેટલા માર્ગો, કોઝવે અવર-જવર માટે બંધ કરવા પડ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી ત્રીજી ઇનિંગમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. બુધવારે સવારે છ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 305 મી.મી. એટલે કે 12 ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.

ઉમરગામ ટાઉન વોર્ડ નંબર ચાર વિસ્તારમાં, દેહરી ગોવાડા હોસ્ટેલ હાઇવે રોડ ઉપર અને ભીલાડ રેલવે ગરનાળુ અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે ઉમરગામના દેહરી ગામ તળાવ, ગોવાડા કોસ્ટલ હાઇવેને લાગુ તળાવ તથા અકરા મારુતિ સહિત અનેક તળાવો છલકાઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે નીચાણવાળા કોઝવે માર્ગો મોહનગામ-પાલિધૂયા રોડ, પુનાટ પટેલ ફળિયા જંબુરી રોડ, વંકાછ માલખેત રોડ, ટેભી વારોલી નદી મહાદેવ મંદિર રોડ, જીઆઇડીસી ગોવાડા રોડ, અંકલાસ વાડીયાપાડા રોડ, નગવાસ પ્રથમપાડા રોડ, કોસ્ટલ હાઇવે ફણસા કાલય રોડ ઉપર પાણી ભરાતા સલામતીના કારણોસર બંધ કરવા પડ્યા હતા તથા ઉમરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ રજાઓ આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ દિવસ દરમિયાન વરસાદનું જોર ધીમું પડતા પાણી ઓસરતા બંધ કરાયેલા કેટલાક કોઝવે માર્ગો ફરી કાર્યરત થયા હતા.

ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં અનેક નીચાણવાળા વિસ્તારો તથા કોઝવે બંધ થતા વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ઉમરગામના પ્રાંત અધિકારી ડી.જે‌.વસાવા, મામતલદાર આર.આર.ચૌધરી, નાયબ મામતલદાર અરૂણ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપુત તથા તેમની ટીમ ગોવાડા દેહરી માલખેત, વંકાછ, ભાટી કરમબેલી, ટીંભી, કરમબેલા સહિત અનેક ગામો અને વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજ્યમાં સિઝનનો 65 ટકાથી વધુ વરસાદ
હજુ જુલાઈ મહિનો પૂર્ણ થવામાં 10 દિવસનો સમય છે. તેના પહેલાં જ ગુજરાત રાજ્યમાં આ વર્ષે સિઝનનો 65 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બુધવારે રાજ્યના 160થી વધુ તાલુકાઓમાં વરસાદે હાજરી આપી હતી. રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર તો બીજી બાજૂ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દમણ, ઉમરગામમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

Most Popular

To Top