SURAT

સુરતમાં 2 કલાકમાં મૂશળધાર અઢી ઈંચ વરસાદ પડ્યો, સલાબતપુરા જાણે તળાવ બની ગયું

સુરત(Surat): સુરત શહેરમાં શુક્રવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણ(Weather) હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ(Orange alert) જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે સુરતમાં ધોધમાર વરસાદ(Heavy Rain) વરસ્યો હતો. સવાર એક સમયે તો સુર્યદેવનાં દર્શન થવા લાગ્યા હતા અને વાદળો ખુલ્લા થઇ ગયા હતા. પરંતુ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દિવસ દરમિયાન સુરતનાં આકાશમાં રાત્રી જેવું અંધારું છવાઈ ગયું હતું. ધોધમાર વરસાદની વરસતા લોકોએ આ વરસાદની મોજ માણી હતી. વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.

શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે વરાછામાં વરસાદ વરસ્યા બાદ બપોરે 2 વાગ્યાથી કોટ વિસ્તાર, અડાજણ, વેસુ સહિત મોટા ભાગના શહેરમાં એકધારો સતત ધોધમાર વરસાદ લગભગ 2 કલાક સુધી વરસ્યો હતો, જેના લીધે નીચાણવાળા વિસ્તારો જેવા કે કાદરશાની નાળ, બેગમપુરા, સલાબતપુરા, વરાછાના રસ્તાઓ પર ડ્રેનેજ ઉભરાઈ હતી અને જેના લીધે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ખાસ કરીને કોટ વિસ્તારની સ્થિતિ બગડી હતી. ગોપીપુરા, કાદરશાની નાળ સહિતના વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલતુ હોય અને બીજી તરફ વરસાદના લીધે પાણી ભરાઈ જતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાંય દુકાનદારોએ વહેલી દુકાન બંધ કરી દીધી હતી.

સલાબતપુરા વિસ્તારમાં ઘુટણ સમા પાણી ભરાયા
સુરતમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ તો જાણે સ્વીમિંગ પુલમાં ફેરવાઈ ગયા હતા. સલાબતપુરા રૂપમ સિનેમાનાં મુખ્ય રસ્તા પર, તેમજ મેઈનરોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. અહી જાણે રસ્તો નહીં પણ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી. આ ઉપરાંત ઉધના ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અહી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખુબ હાલાકી પડી હતી. શહેરનાં નાનપુરા વિસ્તારમાં આવેલી કાદરશાની નાળ એવો છે કે જો સુરતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હોય તો પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આજે પડેલા ધોધમાર વરસાદનાં પગલે નાનપુરા કાદરશાની નાળ પાસે ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા.

લોકોએ વરસાદી પાણીમાં મજા માણી
સલાબતપુરા વિસ્તારનાં આંબાવાડી દક્ષિણી મોહલ્લામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. આખાય મોહલ્લાના લોકોએ ફરજિયાતપણે ઘરમાં કેદ થઈ જવું પડ્યું હતું. બીજી તરફ બાળકો વરસાદની મજા માણવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાણે સ્વીમીંગ પુલમાં તરતા હોય તે રીતે રસ્તામાં ભરાયેલા વરસાદી પાણીમાં મજા કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો આવા વરસાદમાં ડુમસમાં ભજીયા ખાવા ઉમટી પડ્યા હતા.

સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી કરવા સુચના
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાત્રિથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં શહેરમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સુરત શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં 60 મિમિ વરસાદ પડ્યો છે. સતત વરસેલા વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તેમજ સુરત શહેર પાણી-પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

Most Popular

To Top