અમદાવાદ : રાજ્યમાં હાલ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર કરી ગયું છે. જોકે, આ આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 28 માર્ચની રાતથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે ગરમીમાં ઘટાડો થશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
અમરેલીમાં ગરમીનો કહેર, અમદાવાદ-ગાંધીનગરમાં પારો 37 ડિગ્રી
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ગરમીનું જોર યથાવત છે. સમગ્ર ગુજરાતમાં અમરેલી 39 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યના અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ જોઈએ તો, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, વડોદરા, સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ભૂજમાં પારો 37 ડિગ્રી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં નલિયા (34), કંડલા (36), ભાવનગર (36) અને પોરબંદરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, હાલ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર પણ અન્ય એક સર્ક્યુલેશન બનેલું છે. આ સિસ્ટમને કારણે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે.
આ જિલ્લામાં વરસાદનું એલર્ટ
29 માર્ચ, 2026ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 30 માર્ચ, 2026ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર જોવા મળી શકે છે.