Editorial

પાકિસ્તાનને હાથે કરેલા હૈયે વાગ્યા, ખૈબરપખ્તુનવા, બલુચિસ્તાન અને હવે પીઓકેના લોકો આક્રમક

હાથે કરેલા હૈયે વાગે તે કહેવત પાકિસ્તાન માટે હાલમાં બિલકુલ બંધબેસ્તી છે. હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપતો આ દેશ હવે પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાયો છે. ખૈબરપખ્તુનવા, બલુચિસ્તાન અને પીઓકેની પ્રજા એટલી આક્રમક બની ગઇ છે કે તેમના અસંતોષનો જવાબ હવે પાક. સૈનિકોની હત્યા કરીને આપી રહ્યાં છે. પાકિસ્તાન પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાઇ ગયું છે.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. બતાવવામાં આવી રહ્યું છે કે સવારે આત્મઘાતી કાર બોમ્બે પાકિસ્તાની લશ્કરી MRAP વાહનને ટક્કર મારી હતી, જે એક EOD યુનિટની ગાડી હતી. લશ્કરી વાહન નાગરિક વિસ્તારોમાં બોમ્બ-નિષ્ક્રિય કરવાની ડ્યુટી પર હતી. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક જૂથ ઉસુદ-ઉલ-હર્બ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ગ્રુપ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન અને હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલ છે. એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું.

આ વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા છે, 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નુકસાન થયું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની પૈરામિલિટ્રી ફોર્સ ફ્રન્ટીયર કોર્પ્સના મુખ્યાલય પાસે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આ વિસ્ફોટ ભારતીય સમય મુજબ બપોરે 12:03 વાગ્યે થયો હતો. ત્રણ અર્ધલશ્કરી જવાનો સહિત 10  લોકોના મોત થયા હતા અને 33 અન્ય ઘાયલ થયા હતા. જોકે, પાકિસ્તાની સેના કે બલુચિસ્તાન સરકારે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. વધુમાં, કોઈ બલુચ બળવાખોર જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝરઘૂન રોડ નજીક વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકની ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા. પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રન્ટીયર કોર્પ્સ (FC)ના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. તો બીજી તરફ બલુચિસ્તાનના વિદ્રોહીઓ પણ ખૂબ જ આક્રમક બની ગયા છે. મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા જતી ટ્રેન માસ્તુંગ જિલ્લાના સ્પિજેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. આ ટ્રેનમાં લગભગ 270 મુસાફરો હતા. આ હુમલામાં છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક પલટી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 10 કલાકની અંદર આ વિસ્તારમાં આ બીજો વિસ્ફોટ હતો. એટલું જ નહીં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની સ્થિતિ પણ સારી કહી શકાય તેમ નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપ મૂકવાના વિરોધમાં શરૂ થયેલા દેખાવો ઉગ્ર બન્યા છે અને પ્રદર્શનકારીઓએ 25 પાકિસ્તાની સૈનિકને બંધક બનાવ્યા છે. જેમનો ઉપયોગ સુરક્ષા દળોને સીધી કાર્યવાહી કરતાં રોકવા માનવ ઢાલ તરીકે થઈ રહ્યો છે. સૈનિકોને બંધક બનાવીને લઈ જવાતાં હોવાનો તથા તેમને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે ગુપ્તચર એજન્સીઓ આંદોલનન તોડવા હુમલા કરી રહી છે.

સાદા કપડામાં અજાણ્યા વ્યક્તિઓ નેતાઓને નિશાન બનાવે છે અને ભીડમાં અરાજકતા ફેલાવે છે.  સુરક્ષા દળોએ બુધવારે નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓને રોકવા માટે ગોળીબાર કર્યો હતો જેમાં 12 લોકાના મૃત્યુ થયા અને 100થી વધુ ઘાયલ થયાં હતા. ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં બાર લોકો માર્યા ગયા છે. બાગ જિલ્લાના ધીરકોટમાં 4, મુઝફ્ફરાબાદમાં 2 અને મીરપુરમાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ વિરોધ પ્રદર્શન જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીના ઇશારે થઈ રહ્યાનો આરોપ લાગ્યો છે. પ્રદર્શનકારીઓએ સરકાર પર મૂળભૂત અધિકારોની અવગણના કરવાનો અને મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે.

Most Popular

To Top