National

સોનમ વાંગચુકની ધરપકડ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, પત્ની ગીતાંજલિએ અરજી કરી હતી

લેહમાં થયેલી હિંસા બાદ ધરપકડ કરાયેલા લદ્દાખના સોનમ વાંગચુકની ધરપકડ વિરુદ્ધ તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે તા.6 ઓક્ટોબરના રોજ સુનાવણી થવાની છે.

લદ્દાખના સોનમ વાંગચુકને ગયા મહિને લેહમાં થયેલી હિંસા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તા. 26 સપ્ટેમ્બરના રોજ પોલીસે તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરી હતી. વાંગચુક પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંબંધો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ તેઓ જોધપુર જેલમાં કેદ છે.

સોનમ વાંગચુકની ધરપકડ પછી લેહમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ચાર લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને લઈને રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે વાંગચુકના ભાષણો અને નિવેદનોને કારણે હિંસા ફાટી નીકળી હતી.

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ તા. 2 ઓક્ટોબરે બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. ગીતાંજલિએ દાવો કર્યો છે કે તેમના પતિની ધરપકડ કાયદેસર નથી અને તેમને રાજકીય દબાણ હેઠળ અટકાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આજે આ કેસની સુનાવણી કરશે.

લેહ હિંસા પૃષ્ઠભૂમિ
તા. 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં અચાનક હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ ભાજપના સ્થાનિક કાર્યાલયને આગ ચાંપી દીધી હતી. પોલીસએ દાવો કર્યો કે સોનમ વાંગચુકના ભાષણો હિંસાને પ્રેરણા આપનારા હતા. હિંસા દરમિયાન પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ચાર લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા.

હિંસા બાદ લેહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ સોનમ વાંગચુકને મુખ્ય સૂત્રધાર ગણાવીને ધરપકડ કરી હતી. તેમના પર બે NGO મારફતે વિદેશી ફંડિંગ મેળવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

સોનમ વાંગચુકની પ્રતિક્રિયા
જોધપુર જેલમાંથી સોનમ વાંગચુકે ફેસબુક પર એક સંદેશ શેર કર્યો છે જેમાં તેમણે લેહના નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે તેઓ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે અને હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

તેમણે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની પણ માંગ કરી છે અને જણાવ્યું છે કે લદ્દાખના લોકો માટે શાંતિ જાળવવી સૌથી મોટી જરૂર છે.

સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી બાદ નક્કી થશે કે સોનમ વાંગચુકને રાહત મળશે કે નહીં.

Most Popular

To Top