બોલિવુડના જાણીતા લેખક અને અભિનેતા સલીમ ખાનની તબિયતને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ તેમની નજીકથી દેખરેખ રાખી રહી છે. સલિમ ખાનને બ્લડ પ્રેશર વધવાથી તકલીફ થઈ હતી. તપાસ દરમિયાન મગજમાં નાનો રક્તસ્રાવ જોવા મળ્યો હતો. ડોક્ટરોએ તરત જ જરૂરી તબીબી પ્રક્રિયા કરી અને તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે મોટી સર્જરી કરવાની જરૂર નથી, પરંતુ ખાસ સારવાર અને સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે આ સાવચેતીના ભાગરૂપે છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને આવનારા દિવસોમાં વધુ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, હાલ તેમની તબિયત નિયંત્રણમાં છે અને સારવાર ચાલુ છે. જો રિકવરી આવી રીતે જ સુધરતી રહેશે તો આવતીકાલ સુધીમાં તેમને વેન્ટિલેટર પરથી હટાવી આઈસીયુમાંથી સામાન્ય રૂમમાં ખસેડવામાં આવશે.
ડૉક્ટરે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, તેમને વેન્ટિલેટર પર રાખ્યા બાદ એમઆરઆઈ, સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ જેવી તમામ જરૂરી તપાસો કરવામાં આવી હતી. આજે સવારે ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે દ્વારા DSA નામની એક ખાસ પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, દર્દીની પ્રાઇવસી ધ્યાનમાં રાખીને પ્રક્રિયાની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ડૉક્ટરોએ કહ્યું કે પરિવારની સૂચના અનુસાર તેઓ મર્યાદિત માહિતી જ આપી રહ્યા છે. પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. તેમણે વધુમાં જણાવ્યું કે એકંદરે દર્દીની સ્થિતિ સારી છે. ઉંમર એક મહત્વપૂર્ણ પરિબળ હોવાથી સાજા થવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ હાલ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન ઇચ્છે તો તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ડૉ. પારકરે પણ જણાવ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ સંપૂર્ણ રીતે સજાગ અને ફિટ દેખાઈ રહ્યા હતા. બ્રેઈન હેમરેજ અંગે આવેલા અહેવાલો પર સ્પષ્ટતા કરતાં ડૉક્ટરે કહ્યું કે તેમને નાનો હેમરેજ થયો હતો, જેને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવ્યો છે અને કોઈ મોટી સર્જરી કરવાની જરૂર પડી નથી.
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાનની તબિયત અંગે સતત હોસ્પિટલમાં હાજર રહી તેમની સંભાળ રાખી રહ્યા છે. પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર રહી સહારો આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેતા રાહુલ રોય પણ પરિવારની પડખે ઉભા રહી મુલાકાતે આવ્યા હતા. પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરે હોસ્પિટલ પહોંચી સલિમ ખાનની તબિયતના ખેર ખબર લીધા હતા. આ સાથે અભિનેતા રિતેશ દેશમુખ, આશિષ શેલાર આર્યન ખાન, સંગીતા બિજલાણી વગેરે જેવા કલાકારો પણ લીલાવતી હોસ્પિટલમાં સલીમ ખાનને મળવા આવ્યા હતા. ફિલ્મ જગતના વિવિધ લોકો અને ચાહકો સલીમ ખાનના સારા સ્વાસ્થ્ય માટે દિલથી પ્રાર્થના કરી રહ્યા છે.