uncategorized

હેલ્થ ટાઈમ, સ્ટ્રોક : મહાજનો હુમલો

આપણે હાર્ટ એટેક શબ્દ ઘણી વાર સાંભળ્યો પણ બ્રેઈન એટેક એટલે કે મગજના હુમલા વિશે કેટલું જાણીએ છીએ કે પછી કેટલા જાગૃત છીએ એ ખરેખર સમયની માંગ બની ગઈ છે.
મગજ સુધી લોહી પહોંચાડતી કોઈ પણ નળી જ્યારે બ્લોક થાય, એમાં કોઈ અડચણ આવી જાય, નાનું ફુગ્ગા જેવું બનીને ફૂટી જાય, અન્ય જગ્યાએ ગંઠાયેલું લોહી નળીમાં વહેતા વહેતા મગજની નળીમાં આવીને અટકે અને બ્લોક થાય કે ફાટે ત્યારે આ જીવલેણ સ્થિતી સર્જાય છે. આ પરિસ્થિતિમાં મગજને જરૂરી લોહી અને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. જેને કારણે કોષો ખરાબ થવા લાગે છે અને ગણતરીની મિનિટોમાં મૃત થવા લાગે છે.

જો કોઈને સ્ટ્રોક આવે છે તો કઈ રીતે પારખી શકાય? શું ચિહ્નો હોય શકે?
લકવો થવો, ફક્ત એક બાજુના શરીરમાં લકવો આવવો, ખાલી આવી જવી, હાથ પગમાં અચાનક નબળાઈ આવી જવી, પાવર (પકડ) ઘટી જવો, અચાનક કોઈ પણ કારણો વિના અતિ ભારે માથાનો દુઃખાવો શરૂ થવો, બોલવામાં તકલીફ થવી, બીજા બોલે એ સમજવામાં તકલીફ થવી, ચાલવામાં તકલીફ થવી, શરીરનું સંતુલન ન જળવાવું, ખેંચ આવવી, બેભાન થવું વગેરે…

શું બધા સ્ટ્રોક એક જ પ્રકારના હોય?
ના. સ્ટ્રોકના અલગ અલગ પ્રકારો છે. જેમાં એમ્બોલિક સ્ટ્રોક, થ્રોમ્બોલિક સ્ટ્રોક, ઈન્ટ્રાસેરેબ્રલ સ્ટ્રોક, સબએરેકનોઇડ સ્ટ્રોકનો સમાવેશ થાય છે.

જો ત્વરિત સારવાર ન મળે તો શું થાય?
કાયમ માટે મગજને નુકશાન, લાંબાગાળાની અપંગતા તથા મૃત્યુ થઈ શકે.

કયા કારણોસર સ્ટ્રોક આવે?
આગળ જણાવ્યું તે મુજબ અલગ અલગ પ્રકારના સ્ટ્રોકમાં એનું કારણ એ પ્રકાર પર આધારિત હોઈ શકે. મુખ્યત્વે મગજની નળી બ્લોક થતા નળી ફાટી જતા કે નળીમાંથી લોહી બહાર ગળવા લાગે ત્યારે લોહી કોષોની અંદર અને આજુબાજુ પ્રવેશતા (હેમરેજ) તથા દબાણ વધતા મગજના કોષોને નુકશાન પહોંચાડવા લાગે છે અને સ્ટ્રોક આવે છે.

શું છે જોખમો જેને કારણે સ્ટ્રોકની શક્યતા વધી શકે?
હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હ્રદયના વાલની ખામીઓ, અનિયમિત ધબકારા, હૃદયની ચેમ્બર્સ મોટી થવી, સિકલસેલ રોગ, ડાયાબિટીસ વગેરે. આ ઉપરાંત જીવનશૈલી આધારિતમાં જો તમે અસંતુલિત આહાર, વધુ પડતું મીઠું, મદિરાપાન, ધુમ્રપાન, ઓછી કસરત કરો છો તો તમને જોખમ વધુ છે. તમારી ફેમિલી હિસ્ટ્રી અને ઉંમર પણ અગત્યનું પરિબળ છે.

કેવી રીતે રોકી શકાય?
આપણે અમુક પગલાં લઈને અમુક કિસ્સામાં સ્ટ્રોક આવતા અટકાવી શકીએ. જેમાં ધૂમ્રપાન છોડવું, મદિરાપાન પ્રમાણસર કરવું, વજન બરાબર રાખવું, તમને કોમોર્બિડિટી છે તો તેની દવાઓ નિયમિત લેવી તથા રેગ્યુલર ચેકઅપ કરાવો.

નિદાન ત્વરિત થાય તો શું સારી રિકવરી આવી શકે?
હા. આજની તારીખે અત્યાધુનિક પ્રક્રિયાઓ, દવાઓ તથા ઇન્જેક્શન ઉપલબ્ધ છે જે તમને ત્વરિત સારવાર દરમિયાન મળે તો તમે સારી રીતે સામાન્ય જીવનશૈલી જીવી શકો. ક્યારેક ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા તો કોઈક કિસ્સામાં સર્જરીની જરૂર પડી શકે. આ થયા બાદ કાયમી દવાઓ તથા જે-તે દર્દીની પરિસ્થિતિને અનુરૂપ ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, કોગ્નિટિવ થેરાપી વગેરેની મદદથી બાકીનું જીવન નોર્મલ રીતે જીવી શકાય. સૌથી મહત્વનું ધ્યાન રાખો કે આવા કોઈ ચિન્હો જણાતા મોડું ન કરતા ત્વરિત ઇમર્જન્સી મેડિકલ સારવાર લો કારણ કે સ્ટ્રોકના ચિન્હો દેખાયાના પહેલા કલાકોમાં જ ક્લોટ બસ્ટીંગ ( ક્લોટને તોડી નાંખતી) દવા આપી દેવામાં આવે તો લાંબા ગાળાની અપંગતા અને કોમ્પ્લિકેશનથી બચી શકાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top