Health

ચોમાસામાં આરોગ્યનું ધ્યાન કઇ રીતે રાખશો?

ભીની માટીની સુગંધ હોય, સાથે ચા કે કોફી અને ભજિયાં હોય તો અને ઝરમર વરસાદ પડતો હોય એટલે જીવનનો આનંદ લેવાની મજા તો બેશક સૌ કોઈને આવે! ના ક્યાં છે, જીવનમાં આનંદ લેતા રહેવું જોઈએ. પરંતુ દરેક ઋતુ એની જોડે ફાયદાની સાથે કંઈક ને કંઈક ગેરફાયદા પણ તો લઈને આવે જ છે. આ ઋતુ આપણને ગમે એટલી સારી લાગે પણ સૌથી વધુ રોગો આ જ ઋતુમાં જોવા મળે છે અર્થાત્ ચોમાસુ એ અસંખ્ય રોગોને આમંત્રણ આપતી સીઝન છે. ઘણા રોગો સામાન્ય હોય છે પરંતુ ક્યારેક કોઈ રોગ ગંભીર અવસ્થામાં પરિણમી જાય તો ચિંતાજનક અવશ્ય બની જાય છે. આજે આપણે ચોમાસામાં કયા કયા રોગો જોવા મળે છે, એકંદરે તેઓના ચિહ્નો શું હોઈ શકે અને સૌથી મહત્ત્વનું આપણે આ અદભુત અને આપણી પ્રિય ઋતુ દરમિયાન આપણા આરોગ્યનું ધ્યાન કઇ રીતે રાખીશું કે જેથી આપણે બીમાર પડતા અટકી શકીએ કે બીમાર પડીએ તો જલદીથી સારા થઈ શકીએ..

આ તમામ રોગોમાં એકંદરે કયા ચિહ્નો જોવા મળે છે?
દરેક રોગના ચોક્કસ ચિહ્નો તો હોય જ છે પરંતુ જો આપણે સામાન્યપણે જોવા જઈએ તો શરદી, ખાંસી, ગળામાં દુખવું, તાવ આવવો, માથું દુખવું, ઊલટી થવી, ઝાડા થવા, પેટમાં દુખવું, કમજોરી આવવી વગેરે જેવા ચિહ્નો સામાન્યપણે તરી આવતા હોય છે. ઘણા કિસ્સામાં ઠંડી લાગવી, ઠંડી લાગીને તાવ આવવો, સાંધાનો દુખાવો થવો, સ્નાયુઓ દુખવા વગેરે પણ જોવા મળે છે.

ચોમાસુ અને રોગો
ચોમાસુ હોય એટલે પાણીથી થતાં રોગોની શક્યતા વધારે જ રહેતી હોય છે એટલે પાણીજન્ય રોગ, ત્યાર બાદ વાયરલ રોગો અર્થાત્ હવાજન્ય રોગો અને ત્યાર બાદ મચ્છરજન્ય રોગો. સ્વાભાવિક છે ચોમાસુ હોય એટલે મચ્છરોની સંખ્યા વધવાની જ અને મચ્છરોના કારણે થતા રોગોની વાત કરીએ તો ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગો, હવાજન્ય રોગોમાં શરદી-ખાંસી, ફ્લૂ વગેરે, પાણીજન્ય રોગોમાં જોઈએ તો ટાઇફોઈડ, કોલેરા જેવા રોગો સામે આવતા હોય છે. આ ઉપરાંત ફૂડ પોઈઝનિંગ તો ક્યારેક ફંગલ ઇન્ફેક્શન પણ જોવા મળે છે.

  • શું ધ્યાન રાખીશું?
    આપણા જીભના સ્વાદબિંદુઓને કંઈ પણ જોઈને ગમે એટલું સારું લાગે પરંતુ એ ટેમ્પટેશનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ચોમાસા દરમિયાન મહેરબાની કરીને લારી પરનું સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ કે કોઈ પણ પ્રકારનુ બહારનું ખાવાનું ટાળો.
  • મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરના ડંખથી બચવા એ માટેના ચોક્કસ મલમનો ઉપયોગ કરો, કપડાં આખી બાંયના પહેરવા અને બને એટલો ઓછો ભાગ શરીરનો મચ્છરના સંપર્કમાં આવે એ રીતે લાંબા કપડાં પહેરવા.
  • ઘરમાં ક્યાંય પણ પાણીને જમા થવા દેવું નહીં. કચરાનો નિયમિતપણે નિકાલ કરતા રહેવું. ઘરને ચોખ્ખું રાખવું તથા બાથરૂમ વગેરે નિયમિતપણે સાફસફાઈ કરતા રહેવું. ઘરની આસપાસના કોઈ ડ્રેનેજ કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો તેને બંધ કરાવવા માટે પ્રયાસ કરવો.
  • વારંવાર હાથ ધોવા તથા શક્ય હોય તો પાણી ઉકાળેલું જ પીવું. કોઈપણ જગ્યાએ પાણી પીતા પહેલાં ધ્યાન રાખવું કે એ ફિલ્ટર કરેલું અથવા ઉકાળેલું ચોખ્ખું પાણી છે.
  • ફળો અને શાકભાજીને વ્યવસ્થિત રીતે ધોવા અને ત્યાર બાદ જ ઉપયોગમાં લેવા.
  • જે વ્યક્તિઓને ચેપ લાગ્યો છે એટલે કે બીમાર છે એવા વ્યક્તિઓથી ચોક્કસ દૂરી બનાવી રાખવી. તેઓના નિયમિત સંપર્કમાં આવવું નહીં. બાળકોને તો ખાસ એવી બીમાર વ્યક્તિઓથી દૂર રાખવા.
  • ખાંસી કે છીંક ખાઓ ત્યારે તમારા મોઢાને ઢાંકેલું રાખો. ફ્લૂ માટેની વેક્સિન દર વર્ષે નિયમિત મુકાવતા રહો. વરસાદમાં પલળવાનું, ભીના થવાનું  ટાળો. ભીના થયેલા કપડાને તરત જ બદલવાનો આગ્રહ રાખો.
  • ખોરાક તાજો અને ગરમ ખાવાનો આગ્રહ રાખો.
  • પોષક તત્ત્વો અને વિટામિનો તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં લેવાનો આગ્રહ રાખો.
  • પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.
  • શરીરની રોગપ્રતિકારક શકિત સારી જળવાઈ રહે એ ખૂબ મહત્ત્વનું છે. એ જ સૌથી મોટો ભાગ ભજવે છે.

આમ ચોમાસું જે દરેકના ચહેરા પર ઠંડક અને તાજગીભર્યા ફુવારાઓ સાથે સ્મિત લાવે છે, તે હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયાના વિકાસમાં પણ નિમિત્ત બની શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ચોમાસાના આવા રોગો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જો કે, વરસાદ પહેલાં અને દરમિયાન થોડું સાવચેતીપૂર્વક આયોજન કરીએ અને
તકેદારી રાખીએ તો મનગમતો આનંદ ચોક્કસ માણી શકો છો.

Most Popular

To Top