વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની હાર પછી લાલુ યાદવના પરિવારના અંદર તણાવો બહાર આવી રહ્યા છે. હવે લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ગંભીર આરોપો લગાવતાં પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે.
બિહારની રાજનીતિમાં ફરી એકવાર લાલુ યાદવના પરિવારના આંતરિક મતભેદો ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસ ગઠબંધનની હાર બાદ રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથેના સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. તેના પછી આજે તા. 16 નવેમ્બરે તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક, પરંતુ ગંભીર આરોપોથી ભરેલી પોસ્ટ કરી છે.
રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વગર લખ્યું કે પરિવારની બેઠક દરમિયાન તેમની સાથે અપમાનજનક વર્તન થયું. તેમણે દાવો કર્યો “એક પુત્રી, એક બહેન અને એક પરિણીત મહિલાના આત્મસન્માન પર આક્રમણ થયું. મને ગંદી ગાળો આપવામાં આવી અને મારવા માટે ચંપલ ઉઠાવવામાં આવી.”

રોહિણીના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાના સ્વાભિમાન સાથે સમજૂતી ન કરી જેના કારણે તેમનું અપમાન કરવામાં આવ્યું અને મજબૂરીમાં તેમને પિયર છોડવું પડ્યું. “મને અનાથ બનાવી દીધી,”
આ ભાવુક સંદેશ સાથે બિહારના રાજકીય વર્તુળમાં હલચલ મચી છે. હજી સુધી આરજેડી અથવા લાલુ યાદવના પરિવાર તરફથી આ આરોપો વિશે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
રોહિણીના આક્ષેપો પહેલા પણ લાલુ પરિવાર આંતરિક વિવાદોમાં ફસાતો રહ્યો છે. ચૂંટણી પૂર્વે તેજ પ્રતાપ યાદવે પણ તેજસ્વી યાદવના નજીકના સંજય યાદવ અને અન્ય પર પક્ષમાં હાંકી કાઢવાના આક્ષેપ કર્યા હતા. હવે રોહિણી આચાર્ય પણ પોતાની પોસ્ટમાં સંજય યાદવ અને રમીઝને દોષી ઠેરવી રહી છે.
ગઈકાલે જ રોહિણી એ રાજકારણ છોડવાની અને પરિવારથી પણ નાતો તોડવાની જાહેરાત કરી હતી. તેમની સતત પોસ્ટ્સે સ્પષ્ટ કરી દીધું છે કે લાલુ પરિવારનો કલહ હવે ખુલ્લો પડી ગયો છે અને બિહારની રાજનીતિમાં નવા સવાલો ઉભા થયા છે.