કોફી દુનિયાનું સૌથી લોકપ્રિય પીણું છે. કોફીના શોખીન મોટાભાગના લોકો દિવસમાં ત્રણ-ચાર કપ કે તેથી વધુ કપ કોફી ગટગટાવી જાય છે. સામાન્ય રીતે કોફી આરોગ્ય માટે નુકસાનકારક નથી. પરંતુ દિવસમાં બે-ત્રણ કપથી વધુ કપ કોફી પીતા હો તો શરીરમાં તેમાં રહેલા કેફિનના કારણે એડ્રનલિન હોર્મોનનો સ્ત્રાવ વધે છે.
વધુ પડતું કેફિન ઉંઘ પણ ડિસ્ટર્બ કરે છે. જોકે હેલ્થ કોન્સિયસ લોકોમાં હવે કેફિન વિનાની કોફી પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેને ડિકેફિનેટેડ કોફી કહેવાય છે. કોફી બીન્સમાંથી કેફિન દુર કરવા માટે તેના પર પાણીની વરાળનો મારો કરવામાં આવે છે. તે પછી કોફી બિન્સને સુકવીને કોફી પાવડર બનાવવામાં આવે છે.
આ પ્રોસેસમાં 97 ટકા જેટલું કેફિન નીકળી જાય છે. ડિકેફિનેટેડ કે પછી ડિકેફ તરીકે ઓળખાતી કોફીમાં પ્રતિ એક કપ વધુમાં વધુ 7 મિલિગ્રામ કેફિન રહે છે. જયારે રેગ્યુલર કોફીમાં પ્રતિ કપ 70થી 140 મિલિગ્રામ કેફિન હોય છે. કેફિનનું પ્રમાણ કોફીના પ્રમાણ અને બ્રાન્ડ મજબ અલગ અલગ હોય છે.
કેફિન દુર કરવા છતાં તેમાં રહેલા એન્ટિઓકસીડન્ટ યથાવત રહે છે. આ કોફી આરોગ્ય માટે નુકસાનકારક નથી. જોકે કોફીના ખરેખરા શોખિનોને સ્વાદમાં ખાસ ફરક ન હોવા છતાં તેમાં રેગ્યુલર કોફી જેવી મજા આવતી નથી. કેમકે કેફિનની પણ આદત પડે છે. ભારતમાં આવી કોફી શહેરોમાં અને ઓનલાઇન મળે છે.
જોકે આવી કોફી પીનારાનો વર્ગ બહુ ઓછો છે. પરંતુ કોફીના નિષ્ણાતો કહે છે કે દિવસમાં ત્રણથી વધુ કોફી પીવાની આદત હોય અને તે બદલી શકાય તેમ ન હોય તો ડિકેફ કોફી પીવી જોઇએ.