Editorial

હસીનાનું રાજીનામુ: બાંગ્લાદેશ અસ્થિરતાના નવા તબક્કામાં પ્રવેશ્યું છે?

આપણા એક પાડોશી દેશ બાંગ્લાદેશમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. ત્યાં ગયા મહિનના મધ્યભાગથી અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું હતું. તે આંદોલન હિંસક બન્યું અને તેમાં સંખ્યાબંધ લોકોના જીવ ગયા. અનામત ઘટાડવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ તોફાનો શાંત થયા. થોડા સમયની શાંતિ પછી રવિવારે ફરીથી હિંસા ભડકી ઉઠી.

સરકારના રાજીનામાની માગ કરી રહેલા વિદ્યાર્થીઓના અસહકારના આંદોલનના પ્રથમ દિવસે જ ભારે તોફાનો થયા અને તેમાં પણ ૯૦થી વધુ લોકો માર્યા ગયા. આ તોફાનો ખૂબ ઉગ્ર હતા અને સમગ્ર બાંગ્લાદેશમાં થયા હતા. ભારે તંગ વાતાવરણ વચ્ચે બીજા જ દિવસે એટલે કે સોમવારે એક ઝડપી ઘટનાક્રમમાં તીવ્ર લોકરોષનો સામનો કરી રહેલા શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધું અને લશ્કરના એક વિમાનમાં બેસીને દેશ છોડીને ભાગી ગયા. આ સાથે જ બાંગ્લાદેશમાં શેખ હસીનાના દોઢ દાયકાથી ચાલતા શાસનનો અંત આવ્યો. શેખ હસીનાના શાસનનો તો અંત આવ્યો પણ અત્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાના એક નવા તબક્કામાં પ્રવેશ્યું હોવાનું જણાય છે.

શેખ હસીના ભારે તોફાનો વચ્ચે રાજીનામુ આપીને લશ્કરના એક વિમાનમાં બેસીને લંડન જવા માટે રવાના થયા છે એવા અહેવાલો ફેલાતા આંદોલનકારીઓએ બાંગ્લાદેશમાં ઉજવણીઓ કરી હતી. તો બીજી બાજુ લંડન જઇ રહેલા શેખ હસીનાનું વિમાન ભારતમાં દિલ્હી નજીકના હિન્ડોન એરબેઝ પર ઉતર્યું હતું જ્યાં તેમને ભારતના એનએસએ અજીત ડોભાલ મળવા ગયા હતા. શેખ હસીના ભારતના ચુસ્ત ટેકેદાર રહ્યા છે અને તેમને માટે ભારત સરકારને સોફ્ટ કોર્નર હોય તે સ્વાભાવિક છે.  હસીનાના રાજીનામા પછી બાંગ્લાદેશમાં સર્જાયેલ સત્તાના શૂન્યાવકાશને પૂરવા લશ્કર આગળ આવ્યું હતું.

લશ્કરી વડા વકાર-ઉઝ-ઝમાએ જાહેર કર્યું  કે વચગાળાની સરકાર રચાય ત્યાં સુધી દેશની કાયદો વ્યવસ્થા લશ્કર સંભાળશે. તેમણે રાજકીય નેતાઓ સાથે બેઠક પણ યોજી હોવાનું કહેવાય છે. લશ્કર પોતાનું વચન પાળે અને લોકશાહી સરકાર રચાવા દે તો સારું, નહીંતર બાંગ્લાદેશ અગાઉ પણ લશ્કરી શાસન જોઇ જ ચુક્યું છે. દરમ્યાન, હસીનાના પુત્ર અને ભૂતપૂર્વ સત્તાવાર સલાહકાર સાજીબ વાઝેદે જણાવ્યું હતું કે તેમના માતા હવે રાજકીય ક્ષેત્રમાં પાછા ફરશે નહીં અને તેઓ કુટુંબના આગ્રહથી પોતાની સુરક્ષા માટે દેશ છોડી ગયા છે. બીજી બાજુ બાંગ્લાદેશમાં હસીનાની વિદાય પછી પણ છૂટાછવાયા તોફાનો ચાલુ જ રહ્યા છે અને કરૂણ વાત તો એ છે તેમાં હિન્દુઓને અને ભારતીયોને પણ  નિશાન બનાવવામાં આવી રહ્યા છે કદાચ એટલા માટે કે હસીના ભારત તરફી હતા.

અમે દેશના વિવિધ ભાગોમાં તોડફોડની કેટલીક માહિતી ભેગી કરી છે જે હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોમાં ઉચાટની લાગણી પ્રવર્તતી હોવાનું દર્શાવે છે એ મુજબ બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચન યુનિટી કાઉન્સિલના નેતા કાજોલ દેબનાથે જણાવ્યું હતું. ઉપલબ્ધ માહિતી મુજબ બે હિન્દુ નેતાઓ, કે જેઓ યોગાનુયોગે હસીનાની અવામી લીગ પાર્ટીના નેતા હતા તેઓ હિંસામાં માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાઉન્સિલ વધુ માહિતી ભેગી કરી રહી છે. દેબનાથે જણાવ્યું હતું કે હુમલાખોરોએ દુકાનો, મંદિરો અને ઘરોમાં તોડફોડ કરી છે અને હિન્દુ મહિલાઓ પર હુમલા કર્યા છે જ્યારે હુમલાઓ દરમ્યાન ઘણાને ઇજાઓ પણ થઇ છે.

કાઉન્સિલના નેતાઓના જણાવ્યા પ્રમાણે દિનાજપુર, રંગપુર, બોગુરા, શેરપુર, કિશોરગંજ, જાશોર, મગુરા, નારેલ, ખુલના, પાટુઆખીલી, સતખીરા, મયમનસિંઘ, તંગેઇલ, લક્ખીપુર, ફેની, ચટ્ટોગ્રામ વગેરે જિલ્લાઓમાં ધાર્મિક લઘુમતિઓ પર હુમલા થયા છે. સ્થિતિ ગંભીર છે અને હિન્દુઓ પર બાંગ્લાદેશમાં સતત હુમલા થઇ રહ્યા છે એમ યુનિટી કાઉન્સિલના મહામંત્રી રાણા દાસગુપ્તાએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું. અમે લશ્કરને વિનંતી કરી છે કે તેઓ લઘુમતિની સુરક્ષા સુનિશ્ચિત કરે અને હુમલાના કાવતરાખોરો સામે તરત ગુનો દાખલ કરે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ તોફાનો આવનાર દિવસોનો પણ સંકેત આપે છે.  બાંગ્લાદેશની હાલની હિંસા પાછળ હાથ ગમે તેનો હોય પણ એ એક કઠોર વાસ્તવિકતા છે કે શેખ હસીના સામે લોકોના એક મોટા વર્ગમાં નારાજગી હતી. શેખ હસીના દેશ છોડીને ભાગ્યા તે પછી ઢાકામાં અને અન્ય શહેરોમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. અનેક લોકો ઢોલ નગારા વગાડતા જોવા મળ્યા હતા. એક માણસ તેના બાળકને હાથમાં ઉંચે ઉઠાવીને આનંદ વ્યક્ત કરતો દેખાયો હતો. એક દેખાવકારે ખુલ્લેઆમ કહ્યું હતું કે મેં શેખ હસીનાની લિપસ્ટીક તફડાવી લીધી છે.

એક સરમુખત્યારના શાસનમાંથી અમે મુક્ત થયા તેની યાદગીરીમાં હું આને સાચવી રાખીશ. તો એક યુવાને કહ્યું હતું કે મારી ૩૫ વર્ષની ઉંમર થઇ પણ મને ત્રણ ચૂંટણીમાં મતદાન કરી શક્યો નથી. શેખ હસીના આ વર્ષે ચોથી ટર્મ માટે સત્તા પર આવ્યા ત્યારે તેમના પર એવા આક્ષેપો થઇ જ રહ્યા હતા કે તેઓ ગોટાળા કરીને જીત્યા છે. શેખ હસીનાના પતનની શરૂઆત અનામત વિરોધી આંદોલનથી થઇ. સરકારી નોકરીઓમાં અનામતની વિરુદ્ધમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન શરૂઆતમાં શાંતિપૂર્ણ હતું પણ ત્યાર પછી તે હિંસક બની ગયું.

૧૬મી જુલાઇએ આ આંદોલને હિંસક વળાંક લીધો, પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રમખાણો કંઇક શાંત પડ્યા અને ચોથી ઓગસ્ટ રવિવારે દેશમાં ફરીથી ભયંકર તોફાનો થયા. ૧૬મી જુલાઇથી લઇને પ ઓગસ્ટ સુધીમાં બાંગ્લાદેશમાં રમખાણોમાં ૩૦૦ જેટલા લોકો માર્યા ગયા છે એમ સ્થાનિક મીડિયા જણાવે છે. જાન્યુઆરીમાં હસીના ચથી ટર્મ માટે ચૂંટાયા તેના થોડા જ મહિનામાં તેમણે રાજીનામુ આપવું પડ્યું છે અને દેશ છોડીને ભાગવું પડ્યું છે. લોકશાહી રીતે ચૂંટાયા હોવાનું કહીને સરમુખત્યારશાહી ચલાવનારાઓનો પણ આવો અંત આવી શકે છે એ આના પરથી સમજી શકાય છે.

હસીનાના પતન માટે પાકિસ્તાનના હાથ સહિત અનેક થિયરીઓ અત્યારે તો ચર્ચાઇ રહી છે પણ હાલ તો બાંગ્લાદેશ એક નવી અસ્થિરતાના તબક્કામાં પ્રવેશ્યું હોવાનું જણાય છે. બાંગ્લાદેશના પ્રમુખ શાહબુદ્દીને હસીનાના રાજીનામા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝિયાને નજરકેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે પણ ૭૮ વર્ષીય ખાલેદા ઘણા બિમાર હોવાનું કહેવાય છે અને તેઓ કદાચ હવે દેશનું સુકાન સંભાળી નહીં શકે. હાલ વચગાળાની સરકાર રચવાની વાતો ચાલે છે અને વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને બેસાડવાની ભલામણ વિદ્યાર્થી નેતાઓએ કરી છે.

મંગળવારે વહેલી સવારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલ એક વીડિયોમાં આ ચળવળના મહત્વના સંકલનકારોમાંના એક એવા નાહીદ ઇસ્લામે જણાવ્યું હતું કે તેમણે ૮૪ વર્ષીય યુનુસ સાથે આ અંગે વાત કરી જ છે અને તેઓ બાંગ્લાદેશને બચાવવા માટે આ જવાબદારી સંભાળવા તૈયાર થયા છે. અમે નક્કી કર્યું છે કે એક વચગાળાની સરકાર રચાવી જોઇએ જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર હશે, જેઓ વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે એમ નાહીદે જણાવ્યું હતું, જેમની સાથે અન્ય બે સંકલનકારો પણ હાજર હતા. તેમણે જણાવ્યુ હતું કે વચગાળાની સરકારના અન્ય સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રને એક ટેલિવાઇઝ્ડ સંબોધનમાં રાષ્ટ્રપ્રમુખ શાહબુદ્દીને જણાવ્યું હતું કે સંસદના વિસર્જન પછી વચગાળાની સરકાર જેમ બને તેમ વહેલી રચવામાં આવશે. પ્રમુખ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો, જેઓ ઘણા કેસોમાં દોષિત ઠર્યા બાદ નજરકેદ હેઠળ હતા. જો કે આપણે અગાઉ જોયું તેમ ખાલેદા હવે દેશનું સુકાન સંભાળવાની સ્થિતિમાં જણાતા નથી. વચગાળાની સરકાર રચાય તેના થોડા સમય પછી ચૂંટણી જાહેર કરવી પડશે, પછી કોની સરકાર બનશે, તે કેટલી ટકાઉ હશે, દેશના શાસન પર તરાપ મારવાનો પ્રયાસ લશ્કર તો નહીં કરે ને? એ પ્રશ્નો હજી ઉભા જ છે.

Most Popular

To Top