Editorial

અમેરિકાના જોબ માર્કેટની સ્થિતિ ફરીથી ધ્રુજરી બની ગઇ છે?

અમેરિકાના અર્થતંત્રની સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી હોવાના દાવાઓ વચ્ચે હાલ એવા અહેવાલ આવ્યા છે કે ચાલુ વર્ષમાં અનેક કંપનીઓએ લાખો લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. તેમાં પણ ઓક્ટોબરમાં અમેરિકામાં છટણીઓના પ્રમાણમાં નાટ્યાત્મક વધારો થયો હતો, જે દર્શાવે છે કે 2025 માં નોકરીઓમાં કાપ સામાન્ય રીતે મંદી દરમિયાન જોવા મળતા સ્તર પર પહોંચી ગયો છે, ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ નામની એક ખાનગી કંપની, જે કાર્યસ્થળ પર કાપ પર નજર રાખે છે, તેના નવા પ્રકાશિત થયેલા ડેટા પરથી આ માહિતી મળી છે.

અમેરિકી નોકરીદાતાઓએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.1 મિલિયન છટણીની જાહેરાત કરી છે એટલે કે ૧૧ લાખ લોકોએ ચાલુ વર્ષમાં નવેમ્બર સુધીમાં જ નોકરી ગુમાવી છે – જે સંખ્યા 2020 માં રોગચાળાની મંદી પછી સૌથી મોટી છે અને 2008 અને 2009 ની મોટી મંદી દરમિયાન જોવા મળેલા વ્યાપક નોકરીઓમાં કાપની સમકક્ષ છે. આ તીવ્ર વધારો શ્રમ બજારમાં નોંધપાત્ર મંદી અંગે વધતી ચિંતાઓને વેગ આપી રહ્યો છે કારણ કે UPS, Amazon અને Target જેવી મોટી કંપનીઓએ પહેલાથી જ તેમના વ્યવસાયિક એકમોમાં અનેક નોકરીઓમાં કાપ મૂક્યો છે.

જાણીતા અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, નોકરીદાતાઓએ ઓક્ટોબરમાં નોકરીમાં કાપના મુખ્ય બે કારણો દર્શાવ્યા છે. તેમણે છટણીઓના કારણ તરીકે ખર્ચ ઘટાડવાના પગલાં અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઇના વપરાશ તરફ ધ્યાન દોર્યું છે. ડેટા દર્શાવે છે કે આ મેગા છટણી મુખ્યત્વે ટેકનોલોજી, રિટેલ, સેવા અને વેરહાઉસિંગ નોકરીઓને અસર કરે છે. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ટાંકવામાં આવેલા ચેલેન્જરના રિપોર્ટ અનુસાર, નોકરીદાતાઓએ ગયા મહિને 153,000 થી વધુ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી, જે તેના અગાઉના મહિના કરતા 183% વધુ છે, અને આ ઓકટોબર એ 2003 પછી છટણી માટે સૌથી ખરાબ ઓક્ટોબર છે.

ખાસ કરીને ટેકનોલોજી ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે, નોકરીદાતાઓએ નોકરી કાપ પાછળના કારણો તરીકે ધીમી માંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા સર્જાયેલા વિક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે. ચેલેન્જરના મતે, આ વર્ષે અત્યાર સુધીમાં ટેકનોલોજી કંપનીઓએ 141,000 થી વધુ નોકરી કાપનો આંકડો મૂક્યો છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા 17% વધુ છે. છટણીમાં વધારો એક મહત્વપૂર્ણ સમયે થયો છે, કારણ કે અમેરિકી સરકારનું શટડાઉન પણ તે સમયે શરૂ થઇ ગયું હતું. શટડાઉનના કારણે નીતિ નિર્માતાઓ, રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ પાસે નવીનતમ સત્તાવાર ડેટા નથી પરંતુ ચેલેન્જરે રજૂ કરેલા આંકડાઓ પર શંકા કરવાનું કારણ જણાતું નથી.

તાજેતરના વર્ષોમાં રોજગાર બજાર અર્થતંત્ર માટે સ્થિરતાનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે, આ નોકરી કાપ સૂચવે છે કે નોકરીદાતાઓ ફક્ત ભરતી ઘટાડવાથી આગળ વધી રહ્યા છે અને હવે સક્રિયપણે નોકરીઓ પૂરે પૂરી રીતે ઘટાડી રહ્યા છે. છટણી છતાં, એકંદર અર્થતંત્ર અત્યાર સુધી સ્થિર દેખાય છે. નવીનતમ ઉપલબ્ધ ડેટા અનુસાર, ઓગસ્ટ સુધીમાં બેરોજગારીનો દર 4.3% પર પ્રમાણમાં ઓછો હતો. જોકે, અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે ચિત્ર ઝડપથી બદલાઈ શકે છે એમ આ અહેવાલમાં જણાવાયું છે. પે-ચેક પ્રોસેસર ADP તરફથી આ અઠવાડિયે એક અલગ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ખાનગી કંપનીઓએ બે મહિનાના ઘટાડા પછી, ઓક્ટોબરમાં 42,000 નોકરીઓ ઉમેરી હતી.

જોકે, સમાચાર અહેવાલ મુજબ, માહિતી (૧૭,૦૦૦ પદો નીચે) અને વ્યાવસાયિક અને વ્યવસાયિક સેવાઓ (૧૫,૦૦૦ નીચે) જેવા વ્હાઇટ-કોલર ઉદ્યોગોમાં કેન્દ્રિત નોંધપાત્ર નોકરીઓનું નુકસાન પણ જાહેર થયું હતું. ફેડરલ રિઝર્વ, જે ફુગાવાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેણે તાજેતરમાં નબળા પડી રહેલા શ્રમ બજાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ એચ પોવેલે નિર્ણય પછી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “તમે નોંધપાત્ર સંખ્યામાં કંપનીઓને કાં તો જાહેરાત કરતી જોશો કે તેઓ વધુ ભરતી નહીં કરે, અથવા ખરેખર છટણી કરશે.” અમે આના પર ખૂબ કાળજીપૂર્વક નજર રાખી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું. તેમનો અભિગમ યોગ્ય જ છે. રોજગારની સ્થિતિ અર્થતંત્રના કુલ દેખાવ પર વ્યાપક અસર કરે છે અને તેની સ્થિતિ કથળે તો સમગ્ર અર્થતંત્રને ટૂંક સમયમાં અસર થવા માંડે છે.

Most Popular

To Top