Comments

શું મમતા બેનર્જીની ‘તુષ્ટિકરણની રાજનીતિ’એ કટ્ટરપંથી તત્ત્વોને પ્રોત્સાહન આપ્યું છે?

પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં 11 એપ્રિલે હિન્દુ સમુદાય સામે મોટા પાયે હિંસા, તોડફોડ, આગચંપી અને લક્ષિત હુમલાના બનાવો બન્યા છે. નવા લાગુ કરાયેલા વકફ સુધારા કાયદાના વિરોધના નામે હુમલાઓ શરૂ થયા હતા. ઘણાં હિન્દુઓને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં તેમનાં ઘરો, દુકાનો અને મંદિરોનો સમાવેશ થાય છે.

નવા વકફ કાયદા સામે ‘વિરોધ’ના નામે 11 એપ્રિલે જુમ્મા નમાઝ પછી તરત જ નરસંહાર શરૂ થયો હતો અને 12 એપ્રિલ સુધી ચાલુ રહ્યો. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે મુર્શિદાબાદ જિલ્લામાં લઘુમતી ધરાવતાં સેંકડો હિન્દુઓને પડોશી દેશ માલદા ભાગી જવું પડ્યું. મુર્શિદાબાદ રમખાણો એટલા માટે અલગ પડે છે કારણ કે તેમાં સામેલ અને પ્રભાવિત લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી. 17 એપ્રિલ સુધીમાં પશ્ચિમ બંગાળ પોલીસે 60 એફઆઈઆર નોંધી હતી અને હિંસામાં સંડોવણી બદલ 274 લોકોની ધરપકડ કરી હતી.

આ પહેલી વાર છે જ્યારે એક સમુદાયનાં લોકોને હિંસાથી બચવા માટે બીજા જિલ્લામાં આશ્રય લેવો પડ્યો હોય. ગંગા નદી ધુલિયન અને સમશેરગંજમાંથી પસાર થાય છે. નદીની પેલે પાર માલદા જિલ્લો છે. આ તે જગ્યા છે જ્યાં નદી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. 11 અને 12 એપ્રિલના રોજ ધુલિયન નગરપાલિકામાં હિંસા ફાટી નીકળતાં સેંકડો પરિવારો કંચનતલા ઘાટ અને સદર ઘાટથી નાની ફેરી બોટમાં સવાર થઈને માલદાના પરલાલપુર ઘાટ પહોંચ્યાં હતાં.

કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્રીય દળોએ કબજો સંભાળી લીધો છે અને હિંસાગ્રસ્ત વિસ્તારો સામાન્ય સ્થિતિમાં પાછા આવી રહ્યા છે. પરંતુ રહેવાસીઓ હજી પણ દર્દનાક અનુભવથી ભયભીત છે અને તેમના વિસ્તારોમાં કાયમી કેન્દ્રીય દળ કેમ્પ ઇચ્છે છે. મમતા બેનર્જીની સરકાર હિન્દુ સમુદાય સામે વધતી હિંસાને રોકવામાં નિષ્ફળ જોવા મળી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે, મમતાની પાર્ટીના રાજકારણે કેટલાંક કટ્ટરપંથી મુસ્લિમોને એટલી હદે પ્રોત્સાહન આપ્યું છે કે તેઓ અન્ય લોકો સામે હિંસા, તોડફોડ અને આગચંપી કરવાથી ડરતાં નથી. એક ખુલ્લા પત્રમાં મમતા બેનર્જીએ ભાજપ અને તેના વૈચારિક સાથી આરએસએસ પર રાજકીય લાભ માટે અશાંતિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીએસએફ દ્વારા રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે બાંગ્લા દેશી બદમાશોના પ્રવેશને મંજૂરી આપવાનું કાવતરું સૂચવ્યું. કોલકાતામાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથેની મુલાકાતમાં મમતાએ તેમને ખાતરી આપી કે તેમનો પક્ષ વકફ કાયદા સામેની લડાઈમાં મોખરે છે અને તેમને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે આગ્રહ કર્યો છે. ભાજપે વળતો પ્રહાર કરીને કહ્યું છે કે, મમતા બેનર્જીની ‘તુષ્ટિકરણની રાજનીતિ’એ કટ્ટરપંથી તત્ત્વોને પ્રોત્સાહન આપ્યું છે. પીડિતો એક સરળ પ્રશ્ન પૂછી રહ્યા છે: મમતા પ્રશાસન તેમને બચાવવા માટે કેમ આગળ ન આવ્યું? આ એક વાજબી પ્રશ્ન છે, પરંતુ જેમને તેમને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ રાજકારણ કરવામાં વ્યસ્ત છે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી, પરંતુ તેઓ એ બદમાશો સાથે કેવી રીતે વ્યવહાર કરશે, જેમણે તેમના રાજ્યમાં પહેલેથી જ કાયદાનું શાસન તોડી નાખ્યું છે? તેણી જાણે છે કે આ સરળ કાર્ય નથી. સત્ય એ છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વર્ષોથી સાંપ્રદાયિકતાનો ત્રાસ વધી રહ્યો છે. હવે, આ મતભેદ ખુલ્લેઆમ સામે આવી ગયો છે. જો કે, એ સ્પષ્ટ નથી કે, હિંસા કરનારાઓ સ્થાનિક છે કે બહારથી આવ્યા છે. પરંતુ એ સ્પષ્ટ છે કે તેઓ તેમના મતનું મૂલ્ય જાણે છે અને તેની કિંમત વસૂલવા માંગે છે.     
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top