હરિયાણા; હરિયાણા(Haryana)માં ગેરકાયદેસર(Illegal) ખાણ(Mining) રોકવા ગયેલા ડીએસપી(DSP)ની હત્યા કરી દેવામાં આવી છે. ખનન માફિયા(mafia)ઓએ ડીએસપીને ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તાવડુને ડુંગરમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી મળી હતી જેથી તેઓ દરોડો પાડવા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈએ ખાણ સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને ડમ્પર વડે ટક્કર મારતા તેઓનું મોત નીપજ્યું હતું.
ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ
જિલ્લાના ખાણ માફિયાઓના ઈતિહાસમાં આ સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે. ડેપ્યુટી એસપીની હત્યાના સમાચારથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા અને પોલીસે તેમને પકડવા તજવીજ હાથ ધરી છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે 11 વાગ્યે ડેપ્યુટી એસપીને જાણ કરવામાં આવી હતી કે આ જગ્યાએ ખોદકામ થઈ રહ્યું છે. ત્યારબાદ 11.30 વાગ્યે તેઓ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને જોઈને ખાણ માફિયાઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા અને આ દરમિયાન તેઓએ ડીએસપીને માર માર્યો હતો. ત્યારબાદ તેમને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે તેમને કચડી નાખ્યા હતા જેથી ડીએસપીનું મોત નીપજ્યું હતું. ડીએસપી સુરેન્દર સિંહ આ વર્ષે નિવૃત્ત થવાના હતા.
હરિયાણા પોલીસનું નિવેદન
આ મામલે હરિયાણાની નૂહ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું હતું કે, ‘તાવડુ (મેવાત) ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ગેરકાયદે ખોદકામની ઘટનાની તપાસ કરવા માટે નૂહ ગયા હતા. અહી ડમ્પર ચાલકે તેમને કચડી નાખ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા એસએચઓએ જણાવ્યું કે ડીએસપી સ્ટાફ સાથે જ ગયા હતા. તેની સાથે કોઈ પોલીસ ફોર્સ ન હતી. સ્થળ પર જ ડમ્પર ચાલકે કારને વધુ સ્પીડમાં હંકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્ર બિશ્નોઈનું મોત થયું હતું. આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના
હરિયાણામાં ખાણ માફિયાઓ દ્વારા હુમલાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. અગાઉ, સોનેપતમાં, ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારવામાં આવ્યો હતો અને ઘાયલ કરવામાં આવ્યો હતો અને એએસઆઈનો યુનિફોર્મ ફાડી નાખ્યો હતો.