Entertainment

હર્ષવર્ધન રાણે બનશે ‘ફોર્સ 3’નો નવો ચહેરો, ગુજરાતમાં શુટિંગ શરૂ

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની લોકપ્રિય એક્શન ફ્રેન્ચાઈઝી ‘ફોર્સ’નો ત્રીજો ભાગ હવે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ‘ફોર્સ 3’નું શૂટિંગ ગુજરાતના વિવિધ લોકેશન્સ પર શરૂ થઈ ગયું છે. હાલમાં ફિલ્મના કલાકાર હર્ષવર્ધન રાણે અને તાન્યા માનિકતલા શૂટિંગ કરી રહ્યા છે, જ્યારે જોન અબ્રાહમ પણ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવાના છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે જ શરૂ થવાનું હતું, પરંતુ વિવિધ કારણોસર તે સતત મુલતવી પડતું રહ્યું હતું. હવે આખરે ફિલ્મના કામને સત્તાવાર રીતે ગતિ મળી છે. ફિલ્મનું દિગ્દર્શન ભાવ ધુલિયા કરી રહ્યા છે, જેઓ અગાઉ લોકપ્રિય વેબ સીરિઝ ‘ખાકી: ધ બિહાર ચેપ્ટર’નું દિગ્દર્શન કરી ચૂક્યા છે.

‘ફોર્સ’ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં અને બીજી ફિલ્મ ‘ફોર્સ 2’ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. હવે લગભગ 10 વર્ષ બાદ આ ફિલ્મનો ત્રીજો ભાગ દર્શકો માટે તૈયાર થઈ રહ્યો છે. હાલમાં અભિનેતા હર્ષવર્ધન રાણે પોતાની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ના કારણે ભારે ચર્ચામાં છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, જેને કારણે અભિનેતા ખુબ ખુશ છે. ફિલ્મની સફળતા પછી હવે હર્ષવર્ધન રાણે પોતાની કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેર્યો છે. હર્ષવર્ધને પોતાના સોશિયલ મીડિયા દ્વારા પુષ્ટિ કરી છે કે તે ‘ફોર્સ’ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની ગયો છે. અહેવાલો મુજબ ‘ફોર્સ 3’માં મુખ્ય જવાબદારી હર્ષવર્ધન સંભાળશે, જ્યારે જોન અબ્રાહમ ફિલ્મમાં મેન્ટરની ભૂમિકામાં જોવા મળી શકે છે.

હર્ષવર્ધન રાણે છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે સાઉથ ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવૂડમાં ‘સનમ તેરી કસમ’થી એન્ટ્રી કરી હતી. રિલીઝ સમયે ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ રી-રિલીઝ દરમિયાન તેને મોટી સફળતા મળી હતી. હર્ષવર્ધનના આગામી પ્રોજેક્ટ્સમાં ‘એક દીવાને કી દીવાનિયત’ બાદ ‘સિલા’ ફિલ્મ પણ સામેલ છે, જેમાં તે અભિનેત્રી સાદિયા ખાતીબ સાથે જોવા મળશે. આ હાર્ટબ્રેકિંગ લવ સ્ટોરીને ‘સરબજીત’ અને ‘મેરી કોમ’ જેવી ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર ઓમંગ કુમાર દિગ્દર્શિત કરશે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.

Most Popular

To Top