સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત (Surat)ના ધારાસભ્ય હર્ષ સંઘવી (Mla Harsh Sanghvi) તેનું ઉદાહરણ છે. હર્ષ સંઘવીની ઉંમર માત્ર 36 જ વર્ષ છે. છતાં તેમને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે તે તેમની કાર્યદક્ષતાનો પુરાવો છે. જોવા જેવું છે કે હર્ષ સંઘવી મંત્રીમંડળ (cabinet)માં સૌથી નાની વય ધરાવે છે છતાં પણ તેમને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે. જૈન (jain) સમાજમાંથી આવતા હર્ષ સંઘવીનું માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક (social) પ્રદાન પણ મોટું છે.
હાલમાં ભાજપ (BJP)ના પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી હર્ષ સંઘવી પહેલા ભાજપના એક કાર્યકર જ હતાં પરંતુ શ્રીનગરના લાલચોકમાં જઈને ત્રિરંગો લહેરાવ્યા બાદ હર્ષ સંઘવી ચર્ચામાં આવ્યા હતા. ભાજપમાં યુવા મોરચાથી શરૂ કરીને યુવા મોરચામાં ઉપપ્રમુખ બનનાર હર્ષ સંઘવીએ નર્મદ યુનિ.માં 2012માં સેનેટની ચૂંટણીમાં ભાજપને 12માંથી 9 બેઠક અપાવી હતી. 2012માં જ હર્ષ સંઘવીએ તાપી શુદ્ધીકરણની શરૂઆત કરી હતી. જેને કારણે બાદમાં રાજ્ય સરકારે તાપી શુદ્ધીકરણ માટેની 900થી વધુ કરોડની યોજના જાહેર કરવી પડી હતી. હર્ષ સંઘવીએ તાપી શુદ્ધીકરણ માટે મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં 21 કિ.મી.ની મેરેથોન દોડ પણ યોજી હતી. વડાપ્રધાન મોદીના રોડ શો વખતે પણ હર્ષ સંઘવી દ્વારા મહત્વની જવાબદારી નિભાવવામાં આવી હતી. સુરતમાં 2019માં પુલવામા હુમલા વખતે હર્ષ સંઘવીએ કાર્યક્રમ કરીને શહીદો માટે 4 કરોડનું ફંડ એકઠું કર્યું હતું.
આ ઉપરાંત સતત રોજગાર મેળાની સાથે જરૂરીયાતમંદો માટે અનાજની કિટ વિતરણની કામગીરી પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં કોરોનાના સમયમાં હર્ષ સંઘવીની કામગીરી કાબિલેતારીફ રહી હતી. સંઘવીએ અન્ય સમર્થકો સાથે ઓફિસર્સ જીમખાનામાં રસોડું શરૂ કરીને આશરે 14 લાખથી વધુ લોકોને ભોજનની સેવા પુરી પાડી હતી. ભોજન લેવા આવનાર શ્રમિકો પાસે ચંપલ નહીં હોવાથી આશરે 3000 શ્રમિકોને ચંપલ અપાવ્યા હતા. નવી સિવિલ હોસ્પિ.માં કોરોનાના દર્દીઓ માટે હર્ષ સંઘવીએ ફાઈવસ્ટાર હોટલ મારફત ભોજનની વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત સિવિલ હોસ્પિ.માં દર્દીઓ માટે અનેક સુવિધાઓ હર્ષ સંઘવીએ શરૂ કરાવી હતી. સામાન્ય રીતે સિનીયર મંત્રીઓને જ ગૃહમંત્રાલયની જવાબદારી સોંપાતી હોય છે પરંતુ હર્ષ સંઘવીની સતત દોડતા રહેવાની આદતે તેમને ગૃહમંત્રી બનાવી દીધા. હર્ષ સંઘવી ગૃહમંત્રી બનતા તેનો મોટો લાભ સુરતને થશે તે નક્કી છે.