અંકલેશ્વર: ગુજરાત (Gujarat) રાજ્ય દેશમાં હાનિકારક કચરો (Harmful waste) ઉત્પન્ન કરવામાં અગ્રેસર હોવાની માહિતી રાજ્યસભાના સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી છે. દેશનાં કુલ 389 પ્રદૂષિત શહેરોમાં ગુજરાતનાં 10 શહેરનો સમાવેશ થાય છે. દેશનાં 100 પ્રદૂષિત શહેરમાં ગુજરાતનાં ચાર શહેરનો સમાવેશ થાય છે.
વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાઇકલમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. દેશમાં વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાઇકલ માટે 672 યુનિટ છે. જે વાર્ષિક 35,30,842 મિલિયન મેટ્રિક ટનનું રિસાઇક્લિંગ કરે છે. ગુજરાત 41 યુનિટ સાથે 3,81,210 મિલિયન મેટ્રિક ટનના રિસાઇક્લિંગ સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. તામિલનાડુ 27 યુનિટ સાથે 452023 મિલિયન મેટ્રિક ટનના રિસાઇક્લિંગ સાથે દેશમાં પ્રથમ નંબરે આવે છે. તો બીજી તરફ ગુજરાતના 35,887 ઉદ્યોગ પૈકી 2401 ઉદ્યોગ આપમેળે બંધ થઈ ગયા છે. જ્યારે 4605 ઉદ્યોગ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
2021ની સ્થિતિએ દેશનાં 389 શહેરનો પ્રદૂષિત શહેરની યાદીમાં સમાવેશ કરાયો છે, જેમાં ગુજરાતનાં 10 શહેરનો સમાવેશ થાય છે. જેમાં વટવા દેશમાં 44મા ક્રમે, અમદાવાદ 84મા, અંકલેશ્વર 87મા, રાજકોટ 94મા, જામનગર 100મા, વાપી 107મા, વડોદરા 115મા, સુરત 144મા, ગાંધીનગર 211મા અને નંદેસરી દેશમાં 235મા ક્રમે છે. હરિયાણાનું સોનીપત દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે.
રખડતા ઢોર પકડવાની કામગીરી કડક હાથે ચાલુ રાખવા અમદાવાદ મનપાને હાઇકોર્ટનો નિર્દેશ
અમદાવાદ : રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અમદાવાદ મનપાને રખડતા ઢોર પકડવાની કામગીરી કડક હાથે ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ મામલે હાઇકોર્ટે અમદાવાદ મનપા સહિત રાજ્ય સરકારને ફટકાર લગાવી કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
રખડતા ઢોરોના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી અરજીની સુનાવણીમાં અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે રખડતા ઢોર અંગે 24 કલાક મોનિટરિંગ હાથ ધરવું જોઈએ. જેથી કોઈપણ લોકોને મુશ્કેલી ન પડે. ઉપરાંત રખડતા ઢોરોને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. જેને કારણે તંત્રએ કડક કાર્યવાહી કરવાની નિર્દેશ કરવો જોઈએ.
અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર અંગે કડક કાર્યવાહી કરવા મહાનગરપાલિકા સહિત સત્તાવાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પશુ માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ સુનવણી આવતા સપ્તાહે યોજાશે.