National

13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું AIIMSમાં નિધન, ઈચ્છામૃત્યુ બાદ અંતિમ શ્વાસ

થોડા દિવસો પહેલાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી અપાયેલા ઇચ્છામૃત્યુના કેસમાં આજે એક ભાવુક વળાંક આવ્યો છે. હરીશ રાણાએ અંતિમ વિદાઈ લીધી છે. 13 વર્ષ સુધી કોમામાં ઝઝૂમ્યા બાદ ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. 31 વર્ષના હરીશ રાણા દેશના એવા પ્રથમ દર્દી હતા, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા ઈચ્છામૃત્યુ (Passive Euthanasia)ની મંજૂરી આપવામાં આવી હતી. મંગળવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી PTIના સૂત્રો દ્વારા સામે આવી છે. હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં હતા અને લાંબા સમયથી સારવાર હેઠળ હતા. તેમની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને પરિવારજનો દ્વારા ઈચ્છામૃત્યુ માટે અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે 11 માર્ચે મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ 14 માર્ચે તેમને દિલ્હી AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ તબક્કાવાર રીતે તેમના જીવન જાળવતા ઉપચારમાં ફેરફાર કરવામાં આવ્યા. 16 માર્ચે તેમની ફીડિંગ ટ્યુબ દૂર કરવામાં આવી હતી, જ્યારે ત્યારબાદ પ્રવાહી આહાર અને પાણી આપવાનું પણ બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા કાનૂની મંજૂરી અને તબીબી માર્ગદર્શિકા મુજબ અમલમાં મૂકાઈ હતી. હરીશ રાણાનો કેસ દેશ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિને કાનૂની રીતે ઈચ્છામૃત્યુની મંજૂરી મળ્યા બાદ આવી પ્રક્રિયા અમલમાં આવી છે. અલવિદા હરીશ રાણા…

Most Popular

To Top