દુબઈ, ચાર વર્ષ પહેલા જે પ્રતિસ્પર્ધી સામેની મેચ દરમિયાન જે મેદાન પર કારકિર્દી માટે જોખમી પીઠની ઈજાને કારણે મેદાન છોડી ગયેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે એશિયા કપની (Asia cup) પ્રારંભિક મેચ મેચમાં એ જ પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistin) સામે પાંચ વિકેટથી (Five wickets) મળેલી જીત કોઇ સિદ્ધિથી ઓછી નથી. રવિવારે રમાયેલી મેચમાં હાર્દિકે પ્રભાવક ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને બાદમાં 17 બોલમાં 33 રનની ઉપયોગી નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી જેમાં સ્પિનર મોહમ્મદ નવાઝની બોલીંગમા મારેલા વિજયી છગ્ગાનો સમાવેશ થાય છે. તે ચાર વર્ષ પહેલા પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ઘાયલ થયો હતો, જેના કારણે તે લગભગ ત્રણ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.
સાતને સ્થાને 15 રનની જરૂર રહી હોત, તે માટે તેણે પોતાની જાતને તૈયાર રાખી હતી
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં હાર્દિકે કહ્યું હતું કે, હું આ જીતથી ખૂબ જ ખુશ છું, રવીન્દ્ર જાડેજાએ જે રીતે બેટિંગ કરી તેનાથી પણ હું ખુશ છું. હાર્દિકે તેના સફળ પુનરાગમનનું શ્રેય ભારતીય ટીમના માજી ફિઝિયો અને હાલમાં બીસીસીઆઇ સ્પોર્ટ્સ સાયન્સ હેડ નીતિન પટેલ અને વર્તમાન કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈને આપતા કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જેણે પણ મને ફિટ બનાવવામાં ભૂમિકા ભજવી છે તેમને ક્યારેય ક્રેડિટ મળી નથી. હું જે રીતે પાછો આવ્યો તેનું શ્રેય હું નીતિન પટેલ અને સોહમ દેસાઈને આપીશ. હાર્દિક પાકિસ્તાન સામેની મેચમાં એક સમયે માત્ર એક જ ઓવર માટે વ્યૂહરચના ઘડી રહ્યો હતો અને જો ભારતને જીતવા માટે છેલ્લી ઓવરમાં સાતને સ્થાને 15 રનની જરૂર રહી હોત, તે માટે તેણે પોતાની જાતને તૈયાર રાખી હતી.
હાર્દિક પુનરાગમન પછી પોતાની રમતને વધુ સારી રીતે સમજવા લાગ્યો છે : રોહિત શર્મા
દુબઈ, તા. 29 (પીટીઆઈ) : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે હાર્દિક પંડ્યા પુનરાગમન કર્યા પછી તેની રમતને વધુ સારી રીતે સમજી ગયો છે અને બેટ અને બોલ સાથેના તેના પ્રદર્શન અંગે વધુ વિશ્વાસ ધરાવતો થયો છે. હાર્દિકના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે ભારતે રવિવારે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની પોતાની પ્રારંભિક મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું.
રોહિતે કહ્યું કે હાર્દિક એક એવો ખેલાડી છે જે જાણે છે કે મેચમાં અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે રમવું એ બાબત સારી રીતે જાણે છે. ભારતીય કેપ્ટને મેચ બાદ કહ્યું હતું કે જ્યારથી હાર્દિકે વાપસી કરી છે ત્યારથી તેનું પ્રદર્શન અજોડ રહ્યું છે. જ્યારે તે ટીમનો ભાગ ન હતો, ત્યારે તેણે પોતાની ફિટનેસ જાળવવા માટે શું કરવું જોઈએ તે શોધી કાઢ્યું અને હવે તે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે.
હાર્દિકે રવિવારે રમાયેલી મેચમાં ખૂબ જ ઝડપી બોલિંગ કરી હતી. રોહિતે કહ્યું હતું કે તે ખરેખર ઝડપી બોલિંગ કરી શકે છે. અમે આજે તેના શોર્ટ પિચ બોલમાં તે જોયું હતું. આ બધું તેની રમતને સમજવા વિશે છે અને તે તેમાં તેજસ્વી છે. જ્યારે તમને પ્રતિ ઓવરમાં 10 રનની જરૂર હોય, ત્યારે તમે દબાણમાં ગભરાઈ શકો છો પરંતુ તે કોઈપણ સમયે દબાણમાં આવ્યો ન હતો.