National

Harda Blast: સ્મશાન જેવું દ્રશ્ય, અડધા કિલોમીટર સુધી વિખરાયા શવોના ટુકડા

હરદા: મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં આજે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ (explosion in crackers factory) થયો છે. ફટાકડાની ફેક્ટરી સોમેશ ફાયર વર્કમાં થયેલો બ્લાસ્ટ એટલો મોટો હતો કે વિસ્ફોટ થયા બાદ આસપાસ રહેતા લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા. તેમજ વાસણો જમીન પર પડ્યા અને માટીના મકાનોની દિવાલોમાં તિરાડો દેખાઈ હતી.

મળેલી માહિતી મુજબ ફેક્ટરીના અડધા કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિતી ભયાનક છે. મૃતદેહોના ટુકડા વેરવિખેર જોવા મળ્યા હતા. પગ ક્યાંક પડેલા હતા અને ધડ ક્યાંક પડેલું હતું. આ ઘટનામાં રોડ પરથી પસાર થતા લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ હરદામાં એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિનના સાયરન ગુંજતા હતા.

બ્લાસ્ટ એટલા વિસ્ફોટક હતા કે આસપાસની ઈમારતો પણ હચમચી ગઈ હતી. તેમજ આગે આસપાસના મકાનોને પણ લપેટમાં લીધા હતા. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. સીએમએચઓએ 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ આંકડો હજુ વધી શકે છે. આ સાથ જ 90 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ ગંભીર રીતે ઘાયલ 17 લોકોને સારવાર માટે ઈન્દોર, ભોપાલ અને નર્મદાપુરમ મોકલવામાં આવ્યા છે.

સમગ્ર મામલે મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમજ મંત્રી ઉદય પ્રતાપ સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓને હરદા જવા માટે સૂચના આપવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની જવાબદારી લેશે. તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. દરમિયાન આસપાસના સાત જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરદા પહોંચી ગઈ છે. ભોપાલથી ગયેલા અધિકારીઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે.

પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સાજા થઈ જશે. સ્થાનિક વહીવટીતંત્ર દરેકને મદદ કરી રહ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપત્તિ ભંડોળમાંથી મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Most Popular

To Top