uncategorized

સુખ ઓછું નથી હોતું, આપણી અપેક્ષાઓ વધારે હોય છે

ધારો કે તમને એવું વરદાન પ્રાપ્ત થાય, જેના સહારે તમે કોઈ એક ઉંમરને પસંદ કરીને બાકીનું જીવન એ જ ઉંમરમાં જીવી શકો તેમ હો, તો તમે કઈ ઉંમર પસંદ કરો? તમે કાયમ માટે ૧૦ વર્ષના રહેવાનું પસંદ કરો કે ૨૦ વર્ષના? તમે ૪૦ વર્ષને સૌથી સુખી ઉંમર ગણો કે ૫૦ વર્ષને? નિકોટીનામાઈડ અડેનાઈન ડીનુક્લેઓટાઇડ નામના ઘડપણ સાથે સંબંધિત કેમિકલ બનાવતી એક કંપની વતી, ૨,૦૦૦ અમેરિકનોના કરાયેલા એક સર્વેમાં મોટાભાગનાં લોકોએ ૧૦ કે ૪૦ નહીં પણ ૩૬ વર્ષની ઉંમરમાં કાયમ માટે જડાયેલા રહેવાનું પસંદ કર્યું છે. 36 કેમ? આ અભ્યાસ લખનાર લેખક, બોસ્ટનની ઇમન્યુઅલ કોલેજમાં સાઈકોલોજીનાં એસોસિયેટ પ્રોફેસર, ક્લેર મહેતા કહે છે કે, ‘‘હું છેલ્લાં ચાર વર્ષથી ત્રીસી અને ચાલીસીમાં લોકોના અનુભવોનો અભ્યાસ કરી રહી છું અને મારા સંશોધન અનુસાર આ સમયગાળામાં સૌથી વધુ પડકારો હોય છે એટલે લોકોને આ ઉંમર સૌથી સાર્થક લાગે છે.’’

મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે માણસો તેમની ઉંમરમાં વૃદ્ધિ પ્રમાણે અંગ્રેજી ‘યુ’ આકારમાં સુખનો અહેસાસ કરે છે. તેને હેપ્પીનેસ કર્વ અથવા સુખનો ઘુમાવ કહે છે. મતલબ કે તમે જો ૩૦ વર્ષની વયના હો, તો તમે ૨૦ વર્ષની વય કરતાં ઓછું સુખ મહેસૂસ કરો છો અને ૪૦ વર્ષની વયે ૩૦ વર્ષની વયનું સુખ ઓર ઘટી જાય છે. તમે જયારે ૪૭ વર્ષનાં થાવ ત્યારે ૪૦ વર્ષનાં સુખમાં કમી આવે છે. આ આંકડા પણ એક સંશોધનના છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં આવેલી ડાર્ટમાઉથ કોલેજના એક પ્રોફેસર ડેવિડ બ્લેંચફ્લાવરે ૧૩૨ દેશોના હજારો નાગરિકો પર કરેલા એક સર્વેમાં ખબર પડી હતી કે ૧૮ વર્ષની ઉંમર પછી સુખના અહેસાસમાં ઘટાડો શરૂ થાય છે અને વિકસિત દેશોમાં ૪૭, જયારે વિકાસશીલ દેશોમાં ૪૮ વર્ષની વયે જઈને અટકે છે. મતલબ કે આ ઉંમરે માણસો સૌથી વધુ દુઃખી હોય છે. સારા સમાચાર એ છે કે ઉંમરના આ શિખર પછી સુખના અહેસાસમાં વધારો નોંધાવાની શરૂઆત થાય છે પરંતુ એમાં એક અડચણ રહે છે; તમે ૧૮ વર્ષની ઉંમરે જે સુખનો અહેસાસ કર્યો હતો, તે ફરી નથી આવતો.

તમને એવું થશે કે ૧૮ વર્ષ પછી તો આપણી પ્રગતિ શરૂ થાય છે અને આપણે જેમ જેમ પ્રગતિની સીડી ચઢતાં જઈએ છીએ, તેમ તેમ આપણું સુખ પણ વધવું જોઈએ. આખરે, જીવનમાં આપણે જે પણ કરીએ છીએ, તે સુખને વધારવા માટે તો હોય છે. આ સંશોધન પ્રમાણે સુખ માટે આર્થિક પરિસ્થિતિ એટલી જવાબદાર નથી, જેટલું સાધારણ રીતે માનવામાં આવે છે. સુખ અથવા તેની ગેરહાજરીનું એક મહત્ત્વનું કારણ અપેક્ષાનો ભાવ છે. આપણે જયારે આપણી વીસીમાં હોઈએ છીએ ત્યારે દુનિયા પેલી વાર્તામાંના દ્રાક્ષના વેલા જેવી લાગતી હોય છે. આપણને થાય છે કે હું જરાક જ હાથ લાંબો કરીશ તો મારા હાથમાં દ્રાક્ષ આવી જશે. એવું થતું નથી. દુનિયા આપણી અપેક્ષા પ્રમાણે ચાલતી નથી. યુવાનીમાં આપણો આત્મવિશ્વાસ અને અહંકાર એટલો મજબૂત હોય છે કે આપણે એ કલ્પી જ શકતા નથી કે આપણું ધાર્યું ન પણ થાય પણ બધું આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી તેનું ભાન ૧૮ વર્ષ પછી જ આવવાનું શરૂ થાય છે. એ આશાભંગમાં પરિપક્વતા આવતાં ૪૦ વર્ષ નીકળી જાય છે. પશ્ચિમના અભ્યાસમાં ૪૭ વર્ષ પછી ફરીથી સુખના અહેસાસમાં વધારો થાય છે, તેનું કારણ જિંદગીના સારા-નરસા અનુભવો અને અપેક્ષાઓના ભંગ પછી આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવે છે અને આપણે સુખ અથવા દુઃખને વધુ વિવેકથી જોવાનું શરૂ કરીએ છીએ.

સુખનો આધાર ઉંમર, સંસ્કૃતિ અને સમાજ પ્રમાણે અલગ અલગ હોય છે. દાખલા તરીકે, આપણે નાના હતા ત્યારે રમકડાંથી રમતા હતા. એ આપણા સુખનું સાધન હતું. તેનાથી કંટાળીએ એટલે મમ્મી ચાવીવાળું રમકડું લાવી આપે. પછી બેટરીવાળું લાવી આપે. પછી સેન્સરથી ઊડે તેવું આવે. મોટા થઈને પણ આપણે આ જ કરીએ છે. સંબંધો હોય, કામ હોય, વ્યસનો હોય, શોખ હોય કે મનોરંજનો હોય, આપણે એકથી કંટાળીએ એટલે બીજાની ટ્રાય કરીએ છીએ. સાદાથી મઝા ના આવે, તો કોમ્પ્લેક્સ રમકડાંથી રમીએ છીએ. દરેક ‘રમકડા’ પાસેથી આપણી કોઈ ને કોઈ અપેક્ષા હોય છે. પાંચ વર્ષના બાળકને રમકડાંમાંથી જે સુખની અપેક્ષા હોય છે, ૨૫ વર્ષના યુવાનને એવી અપેક્ષા અભ્યાસ કે દોસ્તીમાંથી હોય અથવા ૪૫ વર્ષની વ્યક્તિને નોકરી કે ઘર બનાવવામાંથી હોય. ત્રણે વ્યક્તિઓ અપેક્ષા સંતોષવા મથતી હોય છે. એ સુખની અવધિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે પણ તેમાંનું એક પણ સુખ કાયમી નથી હોતું. એક સુખ અમુક સમય સુધી ચાલે છે અને પછી આપણે નવી અપેક્ષા પેદા કરીએ છીએ. આનો અર્થ એ થયો કે અપેક્ષા સુખ લાવે છે એમ નહીં, અપેક્ષા એક સીમા પછી દુઃખ લાવે છે. કવિ હરીન્દ્ર દવેએ કહ્યું હતું તેમ, “કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.”

સુખનો અહેસાસ અપેક્ષાઓ સંતોષવા પૂરતો જ હોય છે. એટલા માટે લખપતિમાંથી કરોડપતિ બનેલા માણસનું સુખ 50,000ની નોકરીમાં જીવતા માણસ કરતાં બેવડાઈ ના જાય. જેમ નવી પેન ખરીદો એટલે અક્ષર ના સુધરી જાય, એવી રીતે નવી આકાંક્ષાઓ પૂરી કરો તો સંતોષની માત્રા વધી ના જાય, બલકે આકાંક્ષાઓ વધુ ભડકે. આપણી અપેક્ષાઓ પૂરી થઇ જાય, પછી આપણે ‘સુખી’ નથી થઇ જતા, આપણે બોર થઇ જઈએ છીએ કારણ કે અપેક્ષાઓ પૂરી થઇ જવાથી તેને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઇ જાય છે. આપણે જેને સુખ કહીએ છીએ, તે હકીકતમાં અપેક્ષાઓ પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે. અપેક્ષાઓ જયારે સંતોષાઈ જાય, પછી આપણને સવાલ થાય; બસ આટલું જ? હવે શું? વધુ દિલચસ્પ બીજું શું છે? અપેક્ષાઓ તળિયા વગરના કૂવા જેવી હોય છે. આપણે નવી-નવી ચીજોથી ભરતા રહીએ છીએ, પણ તેનું તળિયું ઊંચે નથી આવતું.

પણ સુખની ચાવી નવીનતામાં નથી, તેની કળ જૂનામાં ઉત્તેજના જાળવી રાખવામાં છે. એ ઉત્તેજના ત્યારે જળવાય, જ્યારે આપણે આપણા કામકાજ અને રોજિંદી ગતિવિધિ પાછળના હેતુને સ્પષ્ટ કરીએ. હું સવારે શા માટે ઊઠું છું? એ પ્રશ્નનો ઉત્તર જો હોય, તો પછી તેને સિદ્ધ કરવા માટે હું રોજ જે કરીશ, તેમાં એકસાઇટમેન્ટ હશે અને તો બોરડમ નહીં પજવે. અસલમાં અપેક્ષાઓ કયારેય પૂરી નથી થતી. આપણે તેની એકવિધતાથી કંટાળીને તેને પૂરી થયેલી જાહેર કરીએ છીએ. આપણે અપેક્ષાઓને સરળતાથી પૂરી કરવાને બદલે તેને અઘરી બનાવી રાખીએ તો આપણી સામે સતત એક ચેલેન્જ ઊભી રહેશે. એ ચેલેન્જ આપણને બોર નહીં થવા દે. કામકાજથી લઈને મોજમસ્તી અને સંબંધોમાં નાની-મોટી ચેલેન્જ જાળવી રાખીએ તો સુખનો અહેસાસ પણ કાયમ રહે છે, અને તે ‘યુ’ આકારે ઉપરથી નીચે અને પાછો ઉપર નથી જતો.

Most Popular

To Top