વડોદરામાં શિવરાત્રીના પવિત્ર ઉપવાસમાં ખવાય એવી ફરાળી પેટીસમાંથી એક ઝટકો એવો લાગ્યો કે તે જીવન માટે જોખમી બની શકે. HANURAM FOODS માંથી ખરીદેલી ફરાળી પેટીસમાં લોખંડનો વાયર નીકળતા, ગ્રાહક ચોંકી ઉઠ્યો. આ વાયર જો ભૂલથી ગળી લેવાયો હોત, અને કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોય તો જવાબદાર કોણ?. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો અને HANURAM FOODS પર આક્ષેપ કર્યો કે ખાદ્ય પદાર્થોની કાળજી રાખવામાં મોટી બેદરકારી દાખવવામાં આવી રહી છે. ખાવાના નામે આવા વાયર વાળો ખોરાક મળી રહ્યો હોય તો ગ્રાહકો માટે આ ગંભીર ચેતવણીરૂપ છે.
આવો ખાદ્ય સુરક્ષા ભંગનો મામલો પહેલી વાર સામે આવ્યો નથી. વડોદરા પાલિકાનું તંત્ર કડક કાર્યવાહી કરતું નથી, એટલે આવા કિસ્સાઓ વારંવાર સર્જાતા રહે છે. જો ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર યોગ્ય દેખરેખ ન રાખવામાં આવે, તો એક સામાન્ય ભૂલ જીવલેણ સાબિત થઈ શકે. HANURAM FOODS ના સંચાલકો સામે પાલિકા શું પગલાં લે છે તે જોવું રહ્યું. જો આ પરિસ્થિતિનો ઉકેલ ન આવે, તો ભવિષ્યમાં વધુ ગંભીર બનાવો સર્જાઈ શકે. હવે મહત્વનું એ છે કે તંત્ર ગ્રાહકોના આરોગ્યને લઈ કેટલું ગંભીર બને છે?
