એક સમયે મોટાભાગે રાજા જેવી વ્યક્તિઓને જ થતો રાજરોગ એટલે ડાયાબિટીસ હવે સામાન્ય વ્યક્તિઓને પણ થવા માંડ્યો છે. ભારતમાં જેમ જેમ સમય વિતી રહ્યો છે તે તેમ તેમ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં જીવનશૈલી અને ખાવાની આદતો ખરાબ છે. આ આદતો વધુને વધુ બગડી રહી છે અને તેને કારણે આજે દેશમાં 50 ટકા લોકોમાં લોહીમાં સુગરનું પ્રમાણ અસામાન્ય જોવા મળી રહ્યું છે.
ભારતીયોમાં આ રીતે ડાયાબિટીસનું પ્રમાણ એ ચિંતાજનક છે અને ભવિષ્ય માટે મોટું જોખમ છે. ડાયાબિટીસને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે અને જો આ અંગે લોકો પોતાની આદતો નહીં સુધારે તો આગામી દિવસોમાં મોતના આંકડાઓ વધવાની સંભાવના છે. ડાયાબિટીસની આ સ્થિતિ અંગે તાજેતરમાં મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 2023માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 19.6 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં 49.43 ટકા લોકોમાં એટલે કે અડધી વસતીમાં સુગરનું લેવલ અસામાન્ય છે. તેમાંથી પણ 27.18 ટકા લોકોમાં ડાયાબિટીસ છે અને 22.25 ટકા લોકો એવા છે કે જે પ્રી-ડાયાબિટીક છે.
ભારતમાં ટાઈપ-2 ડાયાબિટીસના કેસ વધારે છે. ટાઈપ-2 ડાયાબિટીસના કેસ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે જ થાય છે. મોટાભાગે આધેડ કે પછી મોટાપાનો ભોગ બનેલા લોકોમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ વધારે જોવા મળે છે. ડાયાબિટીસ એવું છે કે જે પરંપરાગત પણ આવે છે. એટલે કે એક વખત પરિવારમાં કોઈને ડાયાબિટીસ થાય તો પછી તેના સંતાનોમાં પણ ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે.
રિપોર્ટમાં જે મોટું જોખમ દર્શાવાયું છે તે એ છે કે વિશ્વમાં 83 કરોડ લોકોને ડાયાબિટીસ છે. જેમાંથી ચોથા ભાગના લોકો એટલે કે 21.2 કરોડ લોકો ભારતમાં છે. તેમાં પણ 10.1 કરોડ લોકોને ડાયાબિટીસ છે. જ્યારે 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીક છે. ભારતમાં એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે લોકોમાં કૂકીઝ, કેક, ચિપ્સ, તળેલા ખોરાક તેમજ પ્રોસેસ્ડ ખોરાક ખાવાની આદતો વધારે છે. આવા ખોરાક ખાવાને કારણે ઈન્સ્યુલિન ઉત્પન્ન થવાની પ્રક્રિયા અવરોધાય છે.
ઈન્સ્યુલિન ઓછું પેદા થાય છે અને તેને કારણે લોહીમાં સુગર વધવા માંડે છે. ડાયાબિટીસને આ સ્થિતિને નિવારવા માટે લોકોએ જ સુધરવાની જરૂરીયાત છે. હાલના સમયમાં લોકોને ઘરે ખોરાક રાંધીને ખાવો ગમતો નથી. અનેક એપ્લિકેશન એવી છે કે જેમાં વ્યક્તિ હોટલમાંથી ખોરાક મંગાવી શકે છે. જેને કારણે લોકોની ખાવાની આદતો બદલાઈ જવા પામી છે. હાલના સમયમાં બટર, ચીઝનો ઉપયોગ પણ દરેક વાનગીમાં વધી ગયો છે. બટર અને ચીઝ પ્રોસેસ્ડ આવે છે. જેને કારણે પણ ડાયાબિટીસના કેસો વધી રહ્યા છે.
ડાયાબિટીસ એ કેન્સર સમાન છે. ડાયાબિટીસ ક્યારેય નાબૂદ થતો નથી. તેને કંટ્રોલમાં રાખી શકાય છે. જો તેનું ધ્યાન રાખવામાં નહીં આવે તો ડાયાબિટીસને કારણે શરીરના એક પછી એક અંગો ખરાબ થાય છે અને છેલ્લે વ્યક્તિનું મોત થાય છે. સુગર એટલે કે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય છે તેવો ભ્રમ રાખવાની પણ જરૂરીયાત નછી. જે ખાદ્યપદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ્સ આવે છે આવતા હોય તેવા વધુ પદાર્થો ખાવાથી સુગરનું લેવલ વધી શકે છે. એટલે ગળ્યું ખાવાનું બંધ કરવા છતાં પણ જો આ પદાર્થો વધુ પડતા ખાવામાં આવે તો ડાયાબિટીસ થઈ શકે છે.
ડાયાબિટીસના આ આંકડા ગંભીર છે. સરકારે પણ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂરીયાત છે. જંકફુડને પ્રોત્સાહન નહીં મળે અને લોકો પોતાની ખાવાની તેમજ જીવનશૈલી બદલે તે માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ. સાથે સાથે લોકોએ પણ ડાયાબિટીસની સામે લડવા માટે પોતાની જીવનશૈલી બદલી પડશે. લોકો ચાલવાનું રાખે તો પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ભલે, હાલમાં જાહેર કરાઈ નહીં હોય પરંતુ ડાયાબિટીસ પણ એક મહામારી જ છે. ડાયાબિટીસમાં માણસ ધીરેધીરે મરે છે. જો લોકો નહીં જાગે તો ડાયાબિટીસનો ભોગ દેશના તમામ નાગરિકો બનશે તે નક્કી છે.